Friday, January 16, 2009

“તો બાત બન જાયે…”

‘પતિ-પત્ની શા માટે એકબીજાના જીગરી દોસ્ત નથી થઈ શકતાં ? વર્ષો સુધી એક છાપરા નીચે સાથે રહીને સંસારની જવાબદારીઓ નિભાવતાં હોવા છતાં ઘણી વખત બન્નેનું જીવન બે સમાંતર પાટા જેવું કેમ હોય છે ? બન્નેનાં દિલનો-લાગણીઓનો સંગમ કેમ નહિ થતો હોય ? પતિ-પત્ની એકબીજાના ખાસ ઘનિષ્ઠ અને અંતરંગ મિત્ર ન બની શકે ?’ શુચિતાએ પૂછ્યું હતું.
‘તું કેવી વાત કરે છે ! શુચિ ! સુમિત અને હું ખાસ મિત્રો છીએ. તમને પણ ઈર્ષા આવે એવા ગાઢ મિત્રો છીએ, પણ જો સુમિત છોકરી હોત તો અને અમે લગ્ન કરી પતિ-પત્ની બન્યાં હોત તો તમારી વચ્ચે આવી દોસ્તી ન હોત !’ રાત્રે જમીને અમારા દીવાનખાનામાં કૉફી પીતાં અમે બેઠાં હતાં ત્યારે સૌમિલ અને સુજાતાના સંબંધની વાત નીકળતાં અનુપે મજાકમાં કહ્યું હતું.

સૌમિલ અને સુજાતાનું પ્રેમલગ્ન હતું. બન્ને એક કૉલેજમાં સાથે ભણ્યાં હતાં. લગ્ન પહેલાં તેઓ લાંબો સમય સાથે ફરેલાં-સાથે સિનેમા-નાટક જોયેલાં. પિકનિક અને પર્યટનનો સાથે આનંદ માણેલો. પહેલાં પરિચય-પછી મૈત્રી – પછી પ્રેમ અને પછી પરિણય ! બન્નેને પ્રેમ થયો હતો. લગ્ન પહેલાં તેઓ બન્ને ખાસ મિત્ર હતાં, છતાં કોણ જાણે કેવી રીતે લગ્નનાં પાંચ-છ વર્ષ પછી તેઓ માત્ર પતિ-પત્ની બની રહ્યાં… લગ્ન થતાં મિત્ર મટી ગયાં… સાથે સાથે રહેવા છતાં બન્ને વચ્ચે મૈત્રીસંબંધ નહોતા. સહ-વાસ હતો, સહ-જીવન હતું, પણ તેમાં સાચું સાહચર્ય-સખ્ય નહોતું !
‘તારું અને નેહાનું કેમ ચાલે છે ?’ મેં પ્રશાંતને એક વખત પૂછ્યું હતું.
‘ઠીક ઠીક છે બધું…’ એણે મને ફિક્કા સ્મિત સાથે જવાબ આપ્યો હતો. સૌમિલ અને સુજાતા કે પ્રશાંત અને નેહાની જ આ વાત નથી. એમના દામ્પત્ય સંબંધની જ આ વાત નથી, પરંતુ તમને ઘણા પાસે આવો નિરુત્સાહી અને અનિશ્ચિત પ્રતિભાવ જ જાણવા મળશે. જેઓ કહે છે કે અમારો સંબંધ સારો છે, તેઓ પણ ઘણી વખત આ ‘સારો’ સંબંધ એટલે કેવો સંબંધ ? એ વિશે મૂંઝવણમાં હોય છે.

લગ્નનાં થોડાં વર્ષો થાય છે અને મનમાં થવા માંડે છે, સામી વ્યક્તિ બદલાઈ ગઈ છે ! પહેલાંના પ્રેમનો રંગ ફિક્કો થતો લાગે છે. પ્રેમમાં ઓટ આવતી હોય એવું લાગે છે. ક્યારેક દામ્પત્યજીવનમાં આવું બનતું હોય છે, તો ક્યારેક આવો ભ્રમ પણ થતો હોય છે. આવું કેમ થાય છે એનો શાંતિથી વિચાર કરીશું તો લાગશે કે વાસ્તવમાં આપણે પ્રેમ શું છે – પ્રેમ એટલે શું એ સમજતાં નથી હોતાં ! સંવનનકાળની સ્વપ્નીલ અવસ્થા – દામ્પત્યજીવનનો પ્રારંભિક સમય અને ગૃહસ્થ-જીવન-આમાં પ્રણયનો રંગ બદલાતો રહે છે. મશ્કરીમાં કહેવાય છે કે લગ્ન એટલે જ પ્રેમની મુગ્ધતાનું મૃત્યુ….. Death of Romance ! આપણે ઈચ્છીએ છીએ કે આવો રોમાંટિક પ્રેમ બસ, સતત ચાલુ રહે ! આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણો પતિ કે આપણી પત્ની આપણી લાગણીઓને-સ્પંદનોને ઝીલે – એને યોગ્ય પ્રતિસાદ આપે – આપણા દિલની ઊર્મિઓને – આપણાં શમણાંને સમજે અને એમાં સહભાગી થાય એવો એક દિલદાર – સંવેદનાનો સાથી આપણને સાંપડે. આવી કોઈ વ્યક્તિ મળી જાય તો બસ ! ‘જિંદગી બન જાયે.’


આવું સુભગ દામ્પત્યજીવન કેવી રીતે નિર્માણ થઈ શકે એની વાત જ્યારે હું લખી રહી છું ત્યારે મને ક્યાંક વાંચેલો આ સુંદર પ્રસંગ યાદ આવે છે. એક યુવાન છોકરી. અત્યંત સંવેદનશીલ, પ્રેમ વિશે-લગ્ન વિશે-જીવનસાથી વિશે એણે અનેક સુંદર સ્વપ્નાં સેવેલાં. એવી એક વ્યક્તિ એને મળી ગઈ. એ તો ખુશખુશ થઈ ગઈ. લગ્ન કર્યાં. ત્રણ-ચાર વર્ષ થયાં અને એને મનમાં થવા માંડ્યું : ‘આ શું થઈ ગયું ? મારે શું જોઈતું હતું અને શું મળ્યું ? પ્રેમમાં રોમાન્સ જ નહિ ? આવા શુષ્ક-નીરસ લગ્નજીવનને ટકાવી રાખવાનો શો ફાયદો ?’ અને એક દિવસ એના પતિને એ કહી દે છે : ‘આપણો સંબંધ મને બેચેન બનાવે છે. મને ગૂંગળાવે છે. મારી ભાવનાઓને તારા તરફથી પ્રતિસાદ નથી મળતો… આના કરતાં છૂટાં થઈએ તો ?’
પતિ આ સાંભળી સ્તબ્ધ જ થઈ ગયો. ‘તને મારામાં-મારા પ્રેમમાં શી ઊણપ લાગે છે ? હું શું કરું જેથી તારો વિચાર બદલાય ?’ પતિએ એને પૂછ્યું.
‘તને હું કહું કે દૂર આવેલા પેલા પહાડની ટોચ પર એક સુંદર ફૂલ ખીલ્યું છે, એ મારે જોઈએ છે. તું મારે માટે એ ફૂલ તોડી લાવશે ? એમાં તારા જીવનનું જોખમ હોય – ખૂબ જ વિકટ હોય તોપણ તું મારે માટે એ ફૂલ ચૂંટી લાવે ખરો ?’
યુવાન સાંભળી રહ્યો, થોડી વાર રહી એણે કહ્યું, ‘આનો જવાબ હું તને કાલે આપીશ.’ આટલું કહી એ યુવાન ઘરનું બારણું બંધ કરી ચાલ્યો ગયો.

પેલી યુવતી મનમાં ને મનમાં એના પર ગુસ્સો કરતી બેસી રહી. એણે નહોતું કહેવું જોઈતું કે ‘તારે માટે આ ધરતી પરનું ફૂલ તો શું પણ આભના તારા પણ તોડીને તારા પાલવમાં મૂકું ?’ પણ એનામાં એવું બધું છે જ ક્યાં ? સાવ અરસિક થઈ ગયો છે !’ ગુસ્સામાં અને રડવામાં રાત વીતી ગઈ. એ સવારે ઊઠે છે અને જુએ છે, તો ડાઈનિંગ ટેબલ પર એક પત્ર. એના પર પેપરવેઈટ મૂકેલું છે. એ પત્રમાં એના પતિએ લખ્યું હતું :
‘હું તારે માટે ફૂલ તોડવા નહિ જાઉં. હું વખતોવખત તને ફૂલ અને નાનીમોટી ભેટ નથી આપતો. વાતવાતમાં ‘ડીઅર’ અને ‘ડાર્લિંગ’ નથી કહેતો. ઑફિસેથી થાક્યોપાક્યો આવી તને તરત ભેટી નથી પડતો. તારા સૌંદર્યની પ્રશંસા નથી કર્યા કરતો, પણ હું શું કરું છું તે જાણવું છે તારે ?

તારી મહેનત જ્યારે નિષ્ફળ જાય છે, તું નિરાશ થાય છે ત્યારે હું તારી પાછળ ઊભો રહું છું. તારે ખભે હાથ મૂકું છું. કૉમ્પ્યુટર પર તું કામ કરતી હોય છે, જ્યારે તારા કોઈ સોફટવેર પ્રોગ્રામમાં મુશ્કેલી આવી પડે છે – એ રદ થઈ જાય છે અને તું નિરાશ થઈ સ્ક્રીન સામે આંખમાં આંસુ સારતી બેઠી હોય છે ત્યારે હું તારી પાછળ ઊભો રહી મારી આંગળીઓથી તારાં અશ્રુ લૂછું છું. તને સાંત્વન આપી તારા કામમાં મદદ કરું છું. મારી ઈચ્છા તો આપણે બન્ને સાથે વૃદ્ધ થઈએ અને હું તારા દુ:ખતા પગને માલિશ કરું એ છે. મને ખાતરી થશે કે તને મારા કરતાં કોઈક વધુ ચાહે છે ત્યારે પહાડ પરનું ફૂલ ચૂંટ્યા વગર હું મરી જઈશ….’ પેલી યુવતી એના પતિનો આ પત્ર વાંચતી ગઈ અને રડતી ગઈ. એની આંખોમાંથી ઝરતાં અશ્રુઓથી કાગળના કેટલાય અક્ષરો છેકાઈ ગયા. પતિએ છેલ્લે લખ્યું હતું : ‘તેં મારો પત્ર વાંચી લીધો હોય અને સંતોષ થયો હોય તો તું આપણું આગલું બારણું ખોલજે. હું તારી રાહ જોતો ઊભો હોઈશ…. દૂધની બાટલી અને છાપાંની માફક…’
યુવતી દોડતી ગઈ અને બારણું ખોલ્યું. એનો પતિ ચિંતાતુર મોંએ દૂધની બાટલી અને તાજો બ્રેડ લઈ ઊભો હતો. યુવતીને ખાતરી થઈ ગઈ હતી કે રોમાન્સ એટલે પ્રેમનો ઊભરો. ફૂલ જેવો મોહક લાગે, પણ એનો રંગ પણ કાચો. રોમાંટિક ક્ષણો સંબંધની સપાટી પર હોય છે. ધીમે ધીમે સમય વીતતાં સાથે સુખ-દુ:ખ ઝીલતાં ઝીલતાં એ ગાઢ અને પાકો થતો હોય છે. આવો પ્રેમ જ જીવવા માટેનું પૂરતું બળ હોય છે.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનવસંબંધ સંપૂર્ણ નથી હોતો, છતાં દરેક સંબંધ કોઈને કોઈ રીતે અનોખો હોય છે અને સંબંધ જે હોય તેને સજાગતાથી અને પ્રયત્નથી વધુ સુંદર અને રસમય બનાવી શકાય. એ માટે જીવનમાં નાનીમોટી વાતોને-સ્વભાવભેદને કે આદતોને બહુ વિરાટ સ્વરૂપ આપવાનું ન હોય. રાઈનો પહાડ ન બનાવાય. સમગ્ર વ્યક્તિ અને જીવનના પરિસરમાં જોઈએ તો એનું મહત્વ કેટલું ? પરંતુ, જીવનમાં મહદંશે તો રોજ રોજની પ્રત્યેક ઘડીએ નાની નાની બાબતો સાથે જ નિસબત રહેતી હોય છે. નાનીમોટી નિરાશાઓ અને મુશ્કેલીઓ વચ્ચે આપણે જીવવાનું હોય છે, એટલે જ સુખદ દામ્પત્યનો આધાર રોજિંદી કહી શકાય એવી નાની નજીવી ઘટનાઓને આપણે કેવી રીતે ઝીલીએ છીએ – એના પ્રત્યે આપણે કેવો પ્રતિભાવ દાખવીએ છીએ એના પર રહે છે.

કોઈ મને પૂછે કે દામ્પત્યજીવન ઉત્સાહભર્યું-ધબકતું-ચેતનવંતુ કેવી રીતે રહી શકે ? એની પાછળ મુખ્ય કયું તત્વ કામ કરતું હોય છે ? તો કદાચ હું કહું કે જ્યારે પતિ-પત્ની બન્ને એકબીજાનાં ઘનિષ્ઠ અને પરમમિત્ર બની જાય ત્યારે… આનું મુખ્ય કારણ એ છે કે ગાઢ આત્મીય સહચર્ય માટે પ્રેમ તો આવશ્યક છે જ, પરંતુ મૈત્રી વગરનો પ્રેમ માત્ર શુષ્ક કર્તવ્યમાં ધીમે ધીમે સરી જતો હોય છે. પરંતુ જો પતિ-પત્ની લગ્ન પછી બન્ને એકબીજાનાં જીગરી મિત્ર બની શકશે તો ઘણું બધું આપોઆપ ઠીક થઈ જશે, કારણ ખબર છે ? બે સાચા મિત્રો એકબીજાની અપૂર્ણતા સમજી જાય છે અને એને સ્વીકારી લે છે. મિત્રો વચ્ચે વિચાર-વિનિમય અને ભાવસંક્રમણ થતું રહે છે. બે મિત્રો એકબીજાની વાત ધ્યાનપૂર્વક અને દિલપૂર્વક સાંભળે છે. જરૂર વખતે બન્ને ગંભીર બની જાય છે, નહિ તો બન્ને સાથે હસે છે, બોલે છે અને મજા કરે છે. સારા સમયમાં મિત્ર આનંદમાં ભાગીદાર બને છે અને મુશ્કેલીની વખતે સાથે ઊભો રહે છે. મિત્ર એકબીજાનાં સ્વપ્નાંની વાત સાંભળે છે અને એમાં ટેકો અને સાથ આપવાનો પ્રયત્ન કરે છે. બસ ! પતિ-પત્નીએ પણ જીવનમાં અન્યોન્ય માટે આટલું જ કરવાનું હોય છે ને ? એકબીજાનાં યોગદાનની કદર કરવાની હોય છે, આદર કરવાનો હોય છે.

મુશ્કેલી એટલા માટે ઊભી થાય છે કે લગ્ન પછી પહેલાં જે બે મિત્રો હતાં તે પતિ-પત્ની બની જાય છે ! પોતાના પાર્ટનર પાસે ખૂબ જ અપેક્ષાઓ રાખે છે. સતત એમની માગણી ચાલુ હોય છે અને પતિ કે પત્ની જાણે એમની માલિકીની ચીજ ન હોય એવાં ‘Possessive’ થઈ જાય છે. સ્વામીત્વ અને માલિકી ! આ બન્ને દામ્પત્યના સુકોમળ પુષ્પને મુરઝાવી દે છે ! દામ્પત્યજીવનનો આદર્શ સતત સમર્પણ નથી, પણ મને લાગે છે કે સખ્ય છે-મૈત્રી છે, જેમાં બેઉનું પરિપૂર્ણ સ્વાતંત્ર્ય-પરિપૂર્ણ સમર્પણ અને બન્નેનો વિકાસ ગૃહિત છે. જીવનમાં મૈત્રી અને સખ્ય તો સમાનતાની ભૂમિકા પર જ સ્થપાઈ શકે – જેમાં સંબંધ તૂટવાનો – ગેરસમજણનો કે માઠું લાગી જવાનો સતત ભય કે ગભરાટ ન હોય, પણ વિચાર-વિનિમયમાં મોકળાશ હોય….

તમારા સુખમાં અને દુ:ખમાં-સારા અને નરસા સમયમાં કોઈક તમારે પડખે ઊભું રહેશે એ મૈત્રીની આવશ્યકતા છે. પતિ-પત્ની બન્ને એકબીજાની સાથે ખુલ્લા દિલે પોતાની મુશ્કેલની, ચિંતાની કે વ્યથાની વાત કરી શકવા જોઈએ, પરંતુ ઘણી વાર પતિ-પત્ની પોતાનાં મનનાં દ્વાર બીજા સમક્ષ ખોલી શકતાં નથી. એમની વચ્ચે આવો વિશ્વાસ નથી હોતો તો પછી એકબીજાનાં અંગત-અંતરંગ ગાઢ મિત્ર કેવી રીતે બની શકે ? એમની વચ્ચે જ્યારે મૈત્રીનું સુંદર સરોવર લહેરાઈ શકતું નથી ત્યારે એ માત્ર સહ-વાસ જ રહે છે, સહજીવન બનતું નથી. પરંતુ એક વખત મૈત્રીનું પુષ્પ ખીલી ઊઠશે તો ‘સાત પગલાં’ સાથે ચાલીને આરંભેલું દામ્પત્ય આનંદના આકાશમાં ઊડવાની દિશા ઉઘાડી આપશે.

“પ્રેમનું અંતિમ પરિમાણ ”

“પ્રેમ કોઈ વેડફી નાખવાની વસ્તુ નથી; દુનિયામાં લાખો લોકો એ પ્રેમને વેડફી નાખે છે જેનાથી કરોડો લોકોને જીવાડી શકાય”

જ્યારે જાગ્રત મન કોઈ બીજી જ દુનિયામાં મગ્ન હોય ત્યારે વાસ્તવિક દુનિયાનું કામ અર્ધજાગૃત મન સંભાળે છે. બસ, પ્રણવને પણ અત્યારે અર્ધજાગૃત મન જ સંભાળતું હતું. એ જીવતો હતો કારણ કે એનું હૃદય હજુ સુધી ધબકતું હતું. એનું જાગૃત મન તો કોઈ બીજા જ કામમાં જોડાયેલું હતું. એ વાત સ્વીકારવાનો પ્રયત્ન કરવો કે અશ્વીની – એની પત્ની અને પ્રેમિકા – હવે ક્યારેય પાછી નથી આવવાની. એ હવે માત્ર એના મનમાં રહેશે, આ દુનિયામાં નહીં. એની દુનિયા શૂન્ય હતી. એ હવે આ જ શૂન્ય સાથે રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ ક્યાં સુધી ? આ શૂન્ય સાથે રહેવું અઘરું હતું અને શૂન્યની બહાર નીકળવાની કોઈ ઈચ્છા બાકી રહી ન હતી.

હવે વધારે નથી જીવવું. શ્વાસ લઉં તો લાગે છે કે હું સ્વાર્થી છું : આ એક જ વિચાર એના મનમાં સતત ઘોળાતો હતો. આ વિચારને નિર્ણય બનતા વધુ વાર ન લાગી અને પ્રણવ એક વહેલી સવારે નીકળી પડ્યો. ચોમાસાની મોસમ હતી. આ મોસમમાં માટીની મહેક કોને ન ગમે ? એવું લાગે કે ધરતી જીવે છે, શ્વાસ લે છે. પણ આ બધું એના શું કામનું કે જેનું મન જ મરી ગયું હોય ! પ્રણવ ચાલી રહ્યો હતો પોતાની જ દુનિયામાં….. હવે વધારે નથી જીવવું….. આ એક જ વિચાર સાથે.

મેઘની ગર્જના શરૂ થઈ. અને ગંગાજળ કરતા પણ વધુ પવિત્ર લાગે એવું વરસાદનું એક ટીપું પ્રણવના ચહેરા પર પડ્યું. એ થંભી ગયો. દર્દથી સૂકાઈ ગયેલા એ ચહેરાને પ્રેમની ભીનાશ યાદ આવી ગઈ.
‘આશી’
એના હૃદયના ઊંડાણમાંથી દબાયેલા અવાજે એ નામ નીકળી ગયું. દર્દ જેટલું ઊંડું હોય એની આહ પણ એટલી જ ઊંડી હોય. પ્રણવે એના શર્ટના ખીસ્સામાં રાખેલી કોઈ વસ્તુ તરફ જોયું. ઊંડો નિસાસો નાખ્યો. પ્રણવની આંખો વરસાદની બૂંદો ઉપર સ્થિર થઈ. એનો ડાબો હાથ આ ભીનાશને માણવા માટે ઊંચો થયો. પ્રણવનો હાથ એક સ્પર્શ મહેસુસ કરી રહ્યો હતો, વરસાદનો નહીં; અશ્વીનીના હાથનો. પ્રણવની આંખમાંથી નીકળતું એક આંસુ વરસાદની બૂંદ સાથે મળીને સ્મિત કરતાં એના હોઠોને સ્પર્શી ગયું. ભગવાનને એની મૃગજળ જેવી ખુશી પણ પસંદ ન હોય એમ આકાશમાંથી જોરથી વીજળી થઈ અને પ્રણવનું ધ્યાનભંગ થયું. એની નજર આકાશ સામે ખેંચાઈ ગઈ. એનું સ્મિત ઉદાસીમાં, ઉદાસી પ્રશ્નમાં ફેરવાઈ ગઈ : ‘Why ?’ અને આ પ્રશ્ન એક વિરોધમાં ફેરવાઈ ગયો.

‘નથી જોઈતો તારો આ વરસાદ, નથી માણવું તારી બનાવેલી આ દુનિયાનું સૌંદર્ય !’ એ દોડતો દોડતો સામેના બસસ્ટોપની છત નીચે જઈને બેસી ગયો અને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યો. ડૉ. શાહ એ જ બસસ્ટોપની છત નીચે ઊભા રહી આ બધું જોતા હતા.

અશ્વીની એક હાર્ટસર્જન હતી અને તે ડૉ. શાહની હૉસ્પિટલમાં ફરજ બજાવતી. ડૉ. શાહને અશ્વીની પ્રત્યે ઘણી મમતા હતી. અશ્વીની માટે પણ ડૉ. શાહ ‘ફાધર ફીગર’ જેવા હતા. આને લીધે ડૉ. શાહ પ્રણવને સારી રીતે જાણતા હતા. અશ્વીનીના મૃત્યુ પછી પ્રણવની હાલત પણ સારી રીતે સમજતા હતા.
‘લાગે છે તમને વરસાદ પસંદ નથી, પ્રણવ ?’ ડૉ. શાહ પ્રણવની નજીક આવીને બોલ્યા.
‘ઓહ, સોરી સર. મારું ધ્યાન કંઈક બીજે હતું. How are you, this morning ?’ પ્રણવે કહ્યું.
‘ઘરડો થઈ ગયો છું, પણ ખૂબ જ ખુશ છું’ ડો. શાહે પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો. પ્રણવને વધુ વાત કરવાની કોઈ ઈચ્છા ન હતી. સૂઝતું પણ ન હતું કે શું વાત કરવી. એ વરસાદ સામે જોઈને એક જ વિચાર કરતો હતો. ‘આ વરસાદ બંધ થાય એટલે…’

ડૉ. શાહ થોડું મૃદુ હસ્યા અને આગળ આવ્યા. તેમણે બસસ્ટોપની છતની બહાર પોતાનો હાથ કાઢ્યો.
‘સુમનને વરસાદ બહુ ગમતો.’ ડૉ. શાહ પ્રણવની સામે જોઈને બોલ્યા. પ્રણવનું ધ્યાનભંગ થયું. ‘સુમન ?!’ તે કુતૂહલ પામ્યો. ડો. શાહે કોઈને પણ આજ સુધી પોતાની કોઈ અંગત વાત વિશે જણાવ્યું નહતું. એમના નજીકના લોકો પણ એમને માત્ર એક કમાલના ઝીંદાદિલ માણસ તરીકે જાણતા.
ડૉ. શાહ બોલ્યા : ‘સુમન, My Better half ! વરસાદ ચાલુ થયો નથી કે મને ખેંચીને છત પર લઈ જતી. મને આ વરસાદનો કોઈ ખાસ શોખ ન હતો. મારા માટે આ વરસાદ લાખો લોકોને બેઘર અને બરબાદ કરનારા પરિબળ સિવાય બીજું કંઈ વિશેષ નહોતું. પણ સુમનના સ્મિત સાથે આ વરસાદ પણ એટલો જ સુંદર લાગતો.’

ડૉ. શાહે પ્રેમની વાત છેડી હતી. પ્રણવે થોડુંક સ્મિત કરીને કહ્યું : ‘લાગે છે તમે બંનેએ ઘણો સારો સમય સાથે વિતાવ્યો છે !’
‘Yes, you can say that. 1976 – મારી કૉલેજના બીજા વર્ષે હું તેને પહેલીવાર મળ્યો. અમે મળતા રહ્યા અને ફિલ્મમાં થાય એમ ‘ઔર હમે પ્યાર હો ગયા…..’ 1978 – જરા પગભર થયા પછી અમે પોતપોતાના ઘરે અમારી લાગણીઓ વિશે જાણ કરી. મા-બાપ ન માન્યા અને અમે તેમની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધાં. અમે નક્કી કર્યું હતું કે પહેલા ઘર બનાવીશું અને પછી ફેમિલિ. 1980 – અમારું પોતાનું ઘર. એ દિવસે અમે ખુબ ખુશ હતા. એક નવા જીવનની શરૂઆત થવાની હતી.’ ડૉ. શાહ થોડીક ક્ષણો માટે મૌન થઈ ગયા. લાગ્યું કે એક ધબકારો ચૂકી ગયા. ‘અને 5 જૂન 1982. સુમન એના પેટમાં રહેલા ત્રણ મહિનાના બાળક સાથે આ દુનિયા છોડીને ચાલી ગઈ.’ ડૉ. શાહે આ થોડી જ પળોમાં શૂન્યથી અનંત અને અનંતથી પાછી શૂન્યની સફર કરી લીધી.

પ્રણવ અસ્વસ્થ થઈ ગયો. એને સમજાતું ન હતું કે શું કહેવું.
‘I am sorry’ આનાથી વધારે પ્રણવ કંઈ બોલી ન શક્યો.
ડૉ. શાહ થોડું હસ્યા અને એક ઊંડો નિસાસો નાખીને બોલ્યા : ‘લોકો કહે છે કે ભગવાનને પણ સારા માણસોની જરૂર પડે છે અને ત્યારે તે કોઈને પણ પોતાની પાસે બોલાવી લે છે. જ્યારે પણ હું આના વિશે વિચારું છું મને લાગે છે કે આપણા પ્રેમ, આપણી લાગણીઓની કિંમત… હા, કિંમત.. એની આગળ કંઈ જ નથી.’ પ્રણવે બેબસ ગુસ્સા સાથે એકવાર ફરીથી આકાશ સામે જોયું.
ડૉ. શાહ આગળ બોલ્યા : ‘ખૂબ જ પ્રેમ કર્યો છે મેં સુમનને. એણે મને જીવવાનું શીખવ્યું છે. મેં મારી ચારે તરફ ભૂખ, તરસ, રોગ અને ગરીબી જોઈ છે. જન્મ અને મરણને ઘણાં નજીકથી જોયા છે. હું માનતો હતો કે ભગવાનની યાદશક્તિ ખૂબ જ કમજોર છે. એને કેટલીક વાતો યાદ દેવડાવવા માટે ખુલ્લા પગે મંદિર જવું પડે છે. ખુશામત કરવી પડે છે. પણ સુમન આત્મવિશ્વાસથી મને કહેતી : ‘દુનિયામાં કંઈ પણ થવા પાછળ એક કારણ હોય છે. જે આપણે નથી સમજી શકતા ! સૂર્ય ઊગે છે, આથમે છે, રાત થાય છે અને ફરી પાછો સૂર્ય ઊગે છે. દુનિયા હજુ પણ જીવવાલાયક છે, માણવા લાયક છે, બસ !’ હવે બધું જ પારદર્શક લાગે છે. પ્રણવ, મેં દુનિયા એની નજરથી જોઈ છે. જેટલી જરૂરત મને એની હતી, એટલી કોઈનેય ન હતી.’

પ્રણવ એક ધ્યાનથી તેમની વાત સાંભળી રહ્યો હતો. તેઓ આગળ બોલ્યા : ‘પણ એ ગઈ ત્યાં સુધીમાં એની નજરથી લોકોને, બધી વસ્તુઓને જોતા હું શીખી ગયો હતો. દુનિયાનો દરેક રંગ બહુ સુંદર લાગે છે એની નજરોથી ! મને ક્યારેય એવું નથી લાગ્યું કે એ મારાથી અલગ છે. દુનિયામાં કોઈને કોઈ જગ્યાએથી એની મહેક આવી જાય છે. અને હવે હું બધાને પ્રેમ કરી શકું છું.’ ડૉ. શાહના ચહેરા પર આ બોલતી વખતે એક નૂર હતું. એમણે પ્રણવ તરફ જોયું. પ્રણવ હજુ પણ ઉદાસ હતો. દર્દ હજુ પણ ખટકતું હતું. એટલામાં ડૉ. શાહનું ધ્યાન વરસાદને કારણે ધ્રૂજતાં એક ગલૂડિયાં પર પડ્યું.
‘અરે !’ ડૉ. શાહના મોમાંથી નીકળી ગયું. તેઓ ઝડપથી ઊભા થયા અને ગલૂડિયાંને પોતાના હાથમાં લીધું. રૂમાલ કાઢ્યો.

ગલૂડિયાંને લૂછતાં તેઓ બોલ્યા : ‘દુનિયામાં બધાને પ્રેમ મળવો જોઈએ. અહીં સૌથી વધુ લોકો ભૂખ કે નફરતથી નહીં પણ સ્નેહના અભાવથી મરે છે.’ પ્રણવ હજુ પણ કંઈક વિચારી રહ્યો હતો. ડૉ. શાહ નજીક જઈને બેઠા. ગલૂડિયાંને બાજુમાં બેંચ પર બેસાડ્યું. તેમણે પ્રણવના ખીસ્સામાંથી પ્રણવ અને અશ્વીનીનો ફોટોગ્રાફ કાઢી પ્રણવના હાથમાં આપ્યો. પ્રણવ એ ફોટોગ્રાફને જોઈ રહ્યો.
ડો. શાહ બોલ્યા : ‘એક વાર હોસ્પીટલમાં એક નિરાશ પ્રેમીની આત્મહત્યાનો કેસ આવ્યો હતો. એ જોઈને અશ્વીની ખૂબ ગુસ્સે થઈ અને બોલી : ‘પ્રેમ કોઈ વેડફી નાખવાની વસ્તુ નથી; દુનિયામાં લાખો લોકો એ પ્રેમને વેડફી નાખે છે જેનાથી કરોડો લોકોને જીવાડી શકાય.’ પ્રણવ ડૉ. શાહની આંખોમાં જોતો રહ્યો. બધા આવરણ હટવાની તૈયારીમાં હતા. અંદરની જડતા પીગળી રહી હતી. ડૉ. શાહે હિંમત દેવા માટે પ્રણવનો ખભો જરા દબાવ્યો. ઊભા થયા. વરસાદ હજુ પણ ચાલુ હતો. છતની બહાર નીકળતા નીકળતા એ બોલ્યા : ‘મને નથી લાગતું કે આ વરસાદ જલદી બંધ થશે. હવે તમારી ઉપર છે. તમે બહાર જઈને એને માણી શકો છો. નહીંતર તમારા ખીસ્સામાં એક બ્લેડ પણ છે, તેનો ઉપયોગ કરી શકો છો.’

ડૉ. શાહ હસ્યા અને ‘જીના ઈસી કા નામ હૈ’ ગીતની વ્હીસલ વગાડતાં વગાડતાં બહાર વરસાદમાં ચાલ્યા ગયા. પ્રણવે ફરીથી એના હાથમાં રહેલા ફોટોગ્રાફ સામે જોયું. પ્રણવ અને આશી ! એક સાથે કેટલા ખુશ ! તેણે એ ફોટોગ્રાફ પાછળ ફેરવ્યો. ત્યાં અશ્વીનીએ પોતાના હાથે લખેલું : ‘I love you…. Ashii’

પ્રણવની આંખમાંથી એક આંસુ બહાર આવી ગયું. તેનું ધ્યાન એની બાજુમાં બેસેલા પેલાં ગલૂડિયાં તરફ ગયું. મનમાં એક વિચાર આવતાં તેણે સ્મિત કર્યું : ‘એની આંખો તો આશીની આંખો જેટલી જ નિર્દોષ છે !’

“તમે કોઈને પ્રેમ કર્યો છે ?”

તમે કોઈને પ્રેમ કર્યો છે ખરો ? કોઈએ તમને પ્રેમ કર્યો છે ખરો ? લગ્ન પહેલાં ? લગ્ન પછી ? કોઈ તમારી આંખોમાં વસી ગયું હતું ખરું ? તમે કોઈની તરફ લાગણીથી ખેંચાયા હતા ખરા ?

યાદ નથી આવતું ? તમારી યાદદાસ્તને જરા ઢંઢોળો – હજુય યાદ નથી આવતું ? તમારા અંતરના કોઈ એકાન્ત – ખાનગી ખૂણાને જરા ફંફોસો. જરૂર યાદ આવી જશે. ભૂતકાળના બારણે ટકોરા મારો અને છતાં જવાબ જડે નહીં તો માનજો કે દુનિયામાં તમારા જેવો બીજો કોઈ કમનસીબ માણસ નથી. કોઈને માટે તમને પ્રેમ જાગ્યો ન હોય, કે કોઈને તમારા માટે પ્રેમનો ભાવ પેદા થયો ન હોય, એના જેવું કમભાગ્ય બીજું હોઈ શકે ખરું ? આવા માણસની તો દયા ખાવી જોઈએ.

સ્ત્રી હોય કે પુરુષ હોય, એ ક્યારેક તો કોઈની તરફ આકર્ષાયો હોય છે. ક્યારેક તો એ સ્ત્રી કે પુરુષ કોઈની તરફ ખેંચાયા હોય છે. કોઈને માટે તો હૃદયમાં પ્રેમનાં અંકુર ફૂટ્યાં હોય છે. કોઈને માટે તો હૈયું બેચેન બની ગયું હોય છે. કોઈને પોતાના કરવાની તીવ્ર ઝંખના જાગી ગયેલી હોય છે.

લગ્ન પહેલાં કે લગ્ન પછી પણ કોઈને માટે પ્રેમ જાગી ગયો હોય છે. એ પ્રેમનું આયુષ્ય કેટલું હતું, એનું બહુ મહત્વ નથી. એ પ્રેમની ઉંમર દિવસોની હતી, મહિનાઓની હતી કે વરસોની હતી એનું પણ ખાસ મહત્વ નથી. પ્રેમ થઈ ગયો હતો, પ્રેમ જાગી ગયો હતો કે નહીં, એ જ વાતનું મહત્વ છે. ક્યારેક થોડી ક્ષણોનો પ્રેમ, વરસોના પ્રેમ કરતાં પણ વધારે ઉત્કટ અને સુદઢ હોય છે. થોડી ક્ષણોના પ્રેમની એટલી તો મધુરતા હોય છે, એટલી તો સચ્ચાઈ હોય છે કે જિંદગીભર એ યાદ રહી જાય છે. પ્રેમનું આયુષ્ય કદી પૂછવાનું હોય નહીં. પ્રેમની તો જન્મતિથિ હોય છે, પણ તમે કોઈ પ્રેમીને પૂછો : તમારા પ્રેમની જન્મતિથિ કઈ ? તો એ મૂંઝવણમાં મુકાઈ જશે. એને એ પ્રશ્નનો જવાબ જડશે નહીં.


પ્રેમ થઈ જાય છે ખરો, પણ પ્રેમ ક્યારે થઈ ગયો, કઈ રીતે થઈ ગયો, ક્યા કારણે થઈ ગયો, એકાએક થઈ ગયો કે સમય લાગી ગયો હતો, મનના કેવા માહોલ વચ્ચે પ્રેમ જન્મી ગયો હતો, એ બધા પ્રશ્નો કોઈ પૂછે તો એનો કોઈ જવાબ મળશે નહીં. પ્રેમ પદારથ એ તો એક એવો પદારથ છે, જે સમજ્યો સમજાતો નથી. તમે જરૂર પ્રેમ કર્યો હશે. કદાચ કોઈ છોકરો કે છોકરી ગમી ગયા હશે, અને આકર્ષણ ઊભું થયું હશે. મનમાં ને મનમાં તો જરૂર એ છોકરો કે છોકરીને મળવાની, એની સાથે વાતો કરવાની ઝંખના જાગી ગઈ હશે. ક્યારેક એવું પણ બને છે, કોઈ જરા પણ જાણે નહીં, એ રીતે મનોમન પ્રેમ થતો હોય છે. એનો પ્રેમ પામવાનું અને એને પ્રેમ આપવા મન અંદર ને અંદર થનગની રહ્યું હોય છે. દરેક છોકરા-છોકરીના જીવનમાં આવી નાજુક ક્ષણો આવી જતી હોય છે. આ પ્રીતને કુંવારી પ્રીત કહેવામાં આવે છે. પ્રેમ હોય છે ખરો, પણ એકબીજાને પામવાના અરમાન બધા અધૂરા રહી જતા હોય છે. હોઠ અને હૈયું બન્ને કુંવારાં રહી જતાં હોય છે.

અને પહેલા જ પ્રેમમાં જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે કેટલાક એવા હોય છે, જેમને જિંદગીમાંથી રસ ઊડી જાય છે. જેમને જીવન અળખામણું બની જાય છે, એ આપઘાત કરવા સુધી દોડી જાય છે. કાં તો દેવદાસ કે મજનૂ બની જાય છે કાં તો પાગલ બનીને આમથી તેમ ભટકે છે. પણ કેટલાક એવા હોય છે જે પ્રેમની નિષ્ફળતાના એ આઘાતને જીરવી લે છે. ઝેરના એ ઘૂંટડાને હસતાં હસતાં પી જાય છે. ભગ્ન હૃદયની એ વેદનાને ભીતરમાં જ ગોપાવી દે છે. કોઈને જરાજેટલીય ગમ પડવા દેતા નથી. પ્રેમ થઈ ગયો, અને પ્રેમ તૂટી ગયો એથી શું ? એથી જિંદગીને અળખામણી બનાવી દેવાય ખરી ?

પ્રેમમાં બહુ ઓછાને સફળતા મળે છે. પ્રેમમાં નિષ્ફળતા મેળવનારાઓની સંખ્યા ઝાઝી હોય છે. પણ એ બધા કાંઈ આત્મહત્યા કરી લેતા નથી. એ બધા કાંઈ શરાબની લતે ચડી જઈને રોમિયો બની જતા નથી. એ બધાં કંઈ દોડતી આવતી ટ્રેનની નીચે પડતું મૂકતા નથી. પ્રેમની નિષ્ફળતાના ભૂકંપ નીચે એ કચડાયા જરૂર હોય છે, પણ તરત જ બેઠા થઈ જતા હોય છે અને જિંદગીને નવેસરથી જીવવાની શરૂઆત કરતા હોય છે. એ મનની પીડાને મનમાં જ સંઘરી રાખતા હોય છે. જે પ્રેમ કર્તવ્યને ભુલાવી દે છે એને પ્રેમ કહી શકાય ખરો ? પ્રેમ અને કર્તવ્ય એકબીજા સાથે જોડાયેલા છે. ક્યારેક તો એવું પણ બને છે, કર્તવ્ય માટે પ્રેમનું બલિદાન આપવું પડતું હોય છે. કર્તવ્ય આગળ પ્રેમ ગૌણ બની જાય છે.

સુમંતની આ વાત છે. આજે તો એ મોટો બિઝનેસમૅન છે. એનું બહુ મોટું નામ છે. પ્રતિષ્ઠા છે. ઉદ્યોગના ક્ષેત્રે એની બહુ મોટી શાખ છે. પત્ની છે. બે બાળકો છે. કોઈ ફુરસદની વેળા એ મિત્રોની વચ્ચે બેઠો હોય, જીવનની જૂનીનવી વાતો ચાલતી હોય, હળવી મજાક-મશ્કરી થતી હોય ત્યારે એ પણ ખીલી ઊઠે છે અને કબૂલ કરે છે : કૉલેજમાં હું ભણતો હતો ત્યારે એક છોકરીના પ્રેમમાં હું પડ્યો હતો. એ છોકરી પણ મને ચાહતી હતી. એના પિતા શ્રીમંત હતા. મોટા બિઝનેસમૅન હતા. અમે બન્ને છૂપાંછાનાં એકબીજાને મળતાં હતાં. એ મને કોઈ કોઈ વાર એની મોટરમાં ફરવા લઈ જતી હતી. હું મનમાં ને મનમાં વિચાર કરતો : મારે પણ મોટર હોય તો કેવું ? હું પણ એના બાપની જેમ મોટો બિઝનેસમૅન હોઉં તો કેવું ?

અમારી વચ્ચે જરૂર પ્રેમ હતો, પણ વાસ્તવિકતા હું બરાબર સમજતો હતો. એ છોકરી પણ બરાબર સમજતી હતી. અમે બન્ને લગ્ન કરી શકીએ એમ તો હતા જ નહીં. એ બીજાને પરણી ગઈ. મારા દિલને જરૂર ઘેરી ચોટ પહોંચી ગઈ હતી. મને કાળજે ઘા લાગી ગયો હતો, પણ મેં એ દુ:ખ જીરવી લીધું હતું. એના બાપની જેમ મારે પણ બિઝનેસમૅન બનવું છે. મારે પણ બંગલો-મોટરગાડી વસાવવાં છે. એ વાત મનમાં એવું તો ઘર કરી ગઈ હતી કે એ દિશામાં હું આગળ વધતો ગયો હતો. એક સરસ છોકરી સાથે લગ્ન થયું. સફળ બિઝનેસમૅન થવાનું સ્વપ્ન પણ સાકાર થઈ ગયું.

સુમંત કહે છે : જે છોકરીને હું પ્રેમ કરતો હતો, એ છોકરી અને એના પતિ સાથે આજે મારે એવો ને એવો મીઠો સંબંધ છે. અમે એકબીજાના નજીકના મિત્રો છીએ.

એવી જ વાત મુંજાલની છે. એ કૉલેજમાં પ્રોફેસર છે. એ પણ પરિણીત છે. એને પત્ની છે. એક બાળકી પણ છે. એની વાત પણ જાણવા જેવી છે. એ એક છોકરીના પ્રેમમાં હતો ત્યારે તો એ કુંવારો હતો. એક અવેતન નાટ્ય સંસ્થામાં બન્ને કામ કરતાં હતાં. બન્ને નાટકના જીવ હતા. નાટકમાં કામ કરતાં કરતાં બન્ને વચ્ચે પ્રેમ જાગી ગયો હતો. બન્ને એકબીજાના ભરપૂર પ્રેમમાં હતાં. બન્ને વચ્ચેનો પ્રેમ જગજાહેર થઈ ગયો હતો અને એ છોકરી મુંજાલને બિલકુલ અંધારામાં રાખી એ પૈસાદાર પુત્ર સાથે લગ્નથી જોડાઈ ગઈ હતી.

આ ઘટનાએ મુંજાલના હૃદયને જબરદસ્ત આંચકો આપ્યો હતો. એ આપઘાત કરવા પણ દોડી ગયો હતો, પણ એને વિચાર આવ્યો હતો. આપઘાત એ તો કાયરતા છે. મારે શું કામ આપઘાત કરવો જોઈએ ? મેં કોઈ ગુનો તો નથી કર્યો ને ? મેં કોઈ ખોટું કામ તો નથી કર્યું ને ? મેં ચોરી કે છિનાળવું તો નથી કર્યું ને ? મેં એ છોકરીને છેતરી કે દગો તો નથી દીધો ને ? દગો દીધો હોય તો એણે મને દીધો છે. મારે શું કામ આત્મહત્યા કરવી જોઈએ ?

અને મુંજાલે મનને મજબૂત બનાવી દીધું હતું. એણે કોઈ છોકરીને ચાહી હતી. એ વાત જ એ ભૂલી ગયો હતો. એણે એમ.એ કર્યું. એ ફર્સ્ટ કલાસ આવ્યો. પેલી છોકરી કરતાંય વધારે સુંદર છોકરી એને મળી ગઈ. પતિ-પત્ની આજે સુખી છે. કોઈ વાર હસતાં હસતાં એ એની પત્નીને કહે છે : ‘સારું થયું, એ છોકરીએ મને દગો દીધો, નહીં તો, તારા જેવી પ્રેમાળ અને ઉમદા પત્ની મને મળત ક્યાંથી ?

મંજરીબહેન પ્રૌઢ છે. એક હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ છે. જાજરમાન સ્ત્રી છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. આ ઉંમરે પણ તેઓ અપરિણીત છે. એકલાં રહે છે, આનંદથી જીવે છે. ખેલદિલ છે એટલાં જ ખુશમિજાજ પણ છે. એમના જીવનની પણ એક કહાની છે.

મંજરીબહેન એમ.એ.બી.એડ થઈ શિક્ષિકા તરીકે અને હાઈસ્કૂલમાં જોડાયાં હતા ત્યારે એ હાઈસ્કૂલના એક શિક્ષક સાથે લાગણીના સંબંધથી ગૂંથાયાં હતાં. બન્ને વચ્ચે પ્રેમ-સંબંધ ઊભો થયો હતો. બન્ને ખૂબ નજીક આવી ગયાં હતાં. પાછળથી એમને ખબર પડી કે એ શિક્ષક તો પરિણીત હતો. એમને એ શિક્ષક માટે ગુસ્સો તો આવી ગયો પણ મનમાં ને મનમાં એ સમસમી રહ્યાં હતાં. એમણે એ શિક્ષકને પૂછ્યું, ‘તેં મારાથી સાચી વાત શું કામ છુપાવી રાખી હતી ?’ ત્યારે એ આંખમાં આંસુ સાથે બોલ્યો હતો : ‘મને મનમાં બીક હતી. હું સાચી વાત કરું અને તમે મને છોડી દો તો ! તમે મને પ્રેમ કરતાં બંધ થઈ જાવ તો ? હું તમને એટલો બધો ચાહું છું કે મારે તમને ગુમાવવાં ન હતાં. એટલે તમને સાચી વાત કહી શક્યો ન હતો. હું તમારી માફી માગું છું. હવે તમે મને કદાચ તિરસ્કારશો તોય હું તો તમને ચાહતો જ રહેવાનો છું.’

એ શિક્ષકના જવાબથી મંજરીબહેનનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. એ પણ મનમાં તો ઊંડા મંથનમાં પડી ગયાં હતાં. આ માણસ માટે મને પ્રેમ હતો. એને હું ચાહતી હતી. એ પરિણીત છે એ વાતની મને જાણ થઈ અને હું એને પ્રેમ કરતી બંધ થઈ જાઉં તો મારો પ્રેમ કેવો ? એ જે હોય તે. પરિણીત હોય કે કુંવારો હોય, એનો શો ફરક પડે છે. હું એને ચાહું છું એ જ મુખ્ય વાત છે.

અને એ સ્ત્રીએ પેલા શિક્ષકનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું હતું : ‘હું તને ચાહું છું.’ એ પછી ત્રણ ચાર મહિના પછી, એ શિક્ષકનું મોટર અકસ્માતમાં અવસાન થયું હતું. મંજરીબહેન આજે પણ એ શિક્ષકની વિધવા પત્નીની સંભાળ રાખે છે. પોતાની બહેનની જેમ એને સાચવે છે. એના દીકરાને પોતાની સ્કૂલમાં જ રાખી ભણાવે છે.

પ્રેમ-સગાઈ એ તો એક ઊંચામાં ઊંચી સગાઈ છે. પ્રેમ થયો એટલે લગ્ન થઈ જાય, એવું થોડું છે ? પ્રેમ હોય અને લગ્ન ન પણ હોય. પ્રેમમાં સફળતા મળે કે નિષ્ફળતા મળે, પ્રેમમાં કોઈ વાર છેતરાઈ પણ જવાય કે કોઈ વાર ઠોકર પણ લાગી જાય. પ્રેમ તો પ્રેમ જ રહે છે. પ્રેમ કદી છીછરો હોઈ શકે નહીં. પ્રેમમાં તો દરિયાની ઊંડાઈ હોય છે. પ્રેમને વરસો સાથે સંબંધ નથી. પ્રેમને તો ક્ષણો સાથે પણ એટલો જ ઉત્કટ સંબંધ હોય છે. પ્રેમ તો ઘડી – દો ઘડીનો પણ હોઈ શકે, પણ એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહે, ધબકતો રહે.

પ્રેમ એક સરોવર નથી, પ્રેમ તો એક નદી છે, વહેતી નદી. સતત વહેતી નદી. પ્રેમ કદી સરોવરની જેમ પાળો વચ્ચે કેદ રહી શકે નહીં. પ્રેમને તો વહેવા જોઈએ. વહેતા રહેવું એ પ્રેમનો સ્વભાવ છે. પ્રેમ એ દુનિયાના બજારમાં જાહેર કરવાની કોઈ ચીજવસ્તુ નથી. પ્રેમનાં ઢોલ-નગારાં વગાડવાનાં હોતાં નથી. પ્રેમના વરઘોડા કે ફુલેકાં પણ હોતા નથી. પ્રેમ એ તો અંતરના એકાન્ત ખૂણામાં અમૂલ્ય મોતીની જેમ સાચવી રાખવાની, જાળવી રાખવાની એક ચીજ છે. એટલે તો કહેનારે કહ્યું છે કે, પ્રેમનાં મોતી કોઈ ઝવેરીની દુકાને વેચાતાં મળતાં નથી. કોઈના દિલના દરિયામાં ડૂબકી મારવાનું જેના નસીબમાં હોય, એને જ આ મોતી પ્રાપ્ત થાય છે.

તમે કોઈને છાનો-છૂપો પ્રેમ તો જરૂર કર્યો હશે. તમારા ભાગ્યમાં જુદાઈ લખાઈ હશે. તમારું એ પ્રિયજન આજે કદાચ દૂર દૂર હશે, દરિયાપાર હશે, એને જોયે અને એને મળ્યે વરસો વીતી ગયાં હશે, પણ એથી થઈ શું ગયું ? એનું સ્મરણ તો તમારા હૈયામાં ગોપાયેલું છે ને ? કોઈ વાર નિરાંતની પળોમાં એને યાદ કરી જોજો. પ્રેમની ક્ષણોના સ્મરણનો પણ એક અનોખો આનંદ હોય છે.

“જીવનનું સત્ય ”

[1] જીવન જીવવાની કલા

બેફામ સાહેબની એક રચના છે :

અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે,
હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

જીવન જીવવું અને જીવંત રહેવું એ બંને અલગ બાબત છે. હૃદય જ્યાં સુધી ધબકતું રહે ત્યાં સુધી આપણે ચોક્કસ જીવતા રહી શકીએ છીએ, પરંતુ એમાં જો જીવન ધબકતું રહે તો જ જીવંતતા ટકી રહે. જીવનને ધબકતું રાખવા માટે જીવનમાં શોખ હોવા ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિને જુદા જુદા શોખ હોય છે. શોખ અને કલા એકબીજાના પૂરક છે. માણસને જે વસ્તુનો શોખ હોય તે જરૂર કલા બની શકે છે; પરંતુ શોખ તો ટીવી જોવાનો પણ હોઈ શકે ! શોખ પાણીપુરી ખાવાનો કે ગપસપ કરવાનો પણ હોઈ શકે. એ પ્રકારનાં શોખની આ વાત નથી. અહીં શોખ એટલે કાર્ય પ્રત્યેની અત્યંત એકાગ્રતા અને શુભનિષ્ઠા. આવો શોખ ક્યારેક કલામાં પરિવર્તિત થઈ શકે છે. તમને શું કરવાનો શોખ છે એ શોધી કાઢો. દરેક વ્યક્તિમાં એક કલાકાર વસેલો છે. ઈશ્વરે દરેકને કોઈને કોઈ કલાનું વરદાન આપ્યું છે પરંતુ એ વરદાનને ઓળખીને આપણે આપણામાં રહેલા કલાકારને જન્મ આપવાનો છે.


પોતાના શોખનો વિસ્તાર કરવાથી કે કોઈ કલામાં પારંગત બનવાથી માણસ જીવંત રહે છે. સતત નવું નવું શીખવાથી મગજનો પણ વિકાસ થાય છે. મનની ક્ષિતિજો વિસ્તરે છે. પોતાનો આત્મવિશ્વાસ વધે છે. નૃત્યનો શોખ હોય તો તે માટેની તાલિમ લઈને વ્યક્તિ એક સારો નૃત્યકાર બની શકે છે. ખૂબ ગાવાનો શોખ હોય તેવી વ્યક્તિ યોગ્ય માર્ગદર્શન અને રિયાઝ વડે સારો ગાયક બની શકે છે. સતત કંઈક નવું વાંચવા-લખવાનો શોખ કેળવીને લેખનકલામાં પારંગત બની શકાય છે. અરે… રોજિંદુ ઘરકામ કરતાં રસોઈના ક્ષેત્રમાં નવી-નવી વાનગીઓ બનાવવાનો શોખ જાગે તો એ પણ ક્યારેક રસોઈકલામાં રૂપાંતરિત થઈ શકે છે. શોખ એ જ કલાની જન્મદાત્રી છે.

માણસને અલગ-અલગ પ્રકારનાં શોખ તો હોવા જ જોઈએ. એ બધાં શોખ ભલેને પછી કલામાં પરિવર્તિન ન પણ પામે; પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નવું નવું જાણવા કે શીખવાનું તો મળી રહેશે ! આપણે ભલે એક જ ક્ષેત્રમાં નિપુણ બનીએ પરંતુ અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને એક નવી જ દુનિયાનો નીતનૂતન અનુભવ કરવો એ કંઈ ખોટની વાત નથી. માણસ અને જગત બધું જ પરિવર્તનશીલ છે. એકનું એક ક્યારેય કંઈ રહેવાનું નથી. પ્રત્યેક માનવી હરહંમેશ કંઈક નવું ઝંખે છે. એક જ પ્રકારના કાર્યથી વ્યક્તિ ઊબી જાય છે. માણસની આંખ અને હૃદયને હંમેશાં કંઈક વિસ્મયતા જોઈએ છે. કંઈક નવું જાણવાની તાલાવેલી કેળવીને જ માનવી આ પ્રકારની નવીનતાનો અનુભવ કરી શકે છે. આપણે બધાએ અનુભવ્યું છે કે આપણી શેરીમાં સાપ નીકળે તો લોકો એને જોવા ટોળે વળે છે કારણ કે એ આપણને રોજ જોવા નથી મળતા, પરંતુ જો ગાય નીકળે તો લોકો જોવા ટોળે વળે ખરા ?

કંઈક અનોખું જાણવામાં જ માણસને રોમાંચનો અનુભવ થાય છે. વ્યક્તિ તેમાં આનંદ પ્રાપ્ત કરે છે. શોખ આપણે વિવિધ આનંદદાયક પ્રવૃત્તિઓને જીવનમાં એક નિશ્ચિત સ્થાન આપી શકીએ છીએ. શોખ કેળવવો એ સહજ બાબત છે. તે આપોઆપ પ્રગટે છે અને વિકસે છે. ‘આમ નહીં કરું તો હું મૂર્ખ દેખાઈશ’ એમ જબરજસ્તી કરીને કોઈ શોખ વિકસાવી શકતા નથી. એનાથી તો ઊલટું જીવનતત્વ ઓછું થઈ જાય છે. કોઈ પણ શોખને સહજ રીતે વિકસવાની અને પાંગરવાની મોકળાશ મળે ત્યારે તે કલામાં પરિવર્તિત થતો હોય છે. એક વિદ્યાર્થી એ એક ચિત્ર દોર્યું હતું. એ વિદ્યાર્થીને ચિત્ર થોડું બરાબર નહોતું લાગતું. એણે તે ચિત્ર પોતાના વર્ગશિક્ષકને બતાવ્યું. શિક્ષકે તે ચિત્રમાં બ્રશથી એક નાનકડો લસરકો માર્યો અને ચિત્ર ક્ષણાર્ધમાં અતિસુંદર બની ગયું ! વિદ્યાર્થીને હવે ખરેખર એ ચિત્ર જીવંત લાગ્યું. આથી તેણે શિક્ષકને પૂછ્યું : ‘સર, આપે તો ફક્ત એક સહેજ લસરકો જ માર્યો છે છતાં ચિત્ર આટલું સરસ કેવી રીતે બની ગયું ?’ શિક્ષકે જવાબ આપ્યો કે : ‘બેટા, એક લસરકો આટલો ફેરફાર કરી શકે ત્યાં જ કલા જન્મે છે.’

ખરેખર, કલાનો એક લસરકો માનવીને ક્યારેક જીવન જીવવાની કલા પણ શીખવી શકે છે. કલાનો સંગાથ માનવીને તાણમુક્ત રાખે છે. સદાય આનંદમાં રાખે છે. હંમેશા પ્રફુલ્લિત રહેવા માટે કંઈક નવું નવું શીખવું પડે તો માણસે સતત શીખતા રહેવું જોઈએ. પોતાના શોખને કેળવવા માટે યોગ્ય વ્યક્તિની મદદ લેવી પડે તો પણ લેવી જોઈએ પરંતુ સવાલ છે જીવનના વૈવિધ્યસભર આનંદને માણવાનો. આમ કરતાં જે કલાકો પસાર થાય છે એમાં કદાચ આપણને પૈસા ન મળતા હોય એમ બને; પરંતુ એકવાર વ્યક્તિનો શોખ કલામાં રૂપાંતરિત થાય છે એ પછી તેની પાછળ કામ અને દામ બેઉ દોડતા આવે છે. એ સમય ‘વેસ્ટ’ નથી થતો પરંતુ ‘ઈનવેસ્ટ’ થાય છે.

વિખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ જુર્ગે હતાશાને આ યુગની સૌથી મોટી વ્યાધિ તરીકે ઓળખાવી છે. આ હતાશાને દૂર કરવી હશે અને જીવન જીવવાની કલા શીખવી હશે તો આપણે સાચા અર્થમાં કલાકાર બનવું પડશે.
.

[2] ભૂલો અને માફ કરો

ક્ષમા એ બે અક્ષરનો શબ્દ બોલવામાં જેટલો સરળ છે તેટલો જ વ્યવહારમાં મૂકવો કઠિન છે. કોઈ અંગત વ્યક્તિ આપણી પાસેથી આપણને ગમતી કોઈ વસ્તુ માંગી લે તો એ વસ્તુ આપવામાં આપણને કંઈ બહુ કષ્ટ ન પડે; પરંતુ જ્યારે એ અંગત વ્યક્તિને માફી આપવાની વાત આવે ત્યારે આપણને વધારે શ્રમ પડતો હોય છે. જેના પર આપણે વિશ્વાસ રાખ્યો હોય તે વ્યક્તિ આપણી સાથે વિશ્વાસઘાત કરે તો એ વેદનાને પચાવવી ખૂબ અઘરી બની જાય છે. વિલિયમ બ્લૅક કહે છે કે ‘દુશ્મનને તો હજુ પણ માફ કરી શકાય પણ મિત્રોને માફ કરવા ખૂબ જ અઘરા છે.’ એ વ્યક્તિ આપણી સાથે આવું કરી જ કેમ શકે ? એ વાત આપણે ભૂલી શકતા નથી. કહેવાય છે કે ‘ભૂલો અને માફ કરો’ એમાં ભૂલવું તો હજુ સહેલું છે કારણ કે માનવ સ્વભાવ જ વિસ્મૃતિને વરેલો છે. કાળક્રમે અમુક વાતો સહજ રીતે વિસરાઈ જાય છે. કઠીન તો માફી આપવાનું કામ છે. માફી આપવી એટલે મનની કળવાશને દૂર કરી દેવી. જે વ્યક્તિને આપણે માફ કરી દીધી હોય તે આપણને વર્ષો પછી મળે તો પણ મનમાં એ જૂની વાતોનો કોઈ પડઘો પડતો નથી મન પર તેનો કોઈ બોજ હતો નથી.

ક્ષમા આપવી એ સરળ બાબત નથી. ક્ષમાને વીરોનું આભૂષણ કહેવાયું છે. કોઈને માફ કરવાથી માફી આપનાર વ્યક્તિ અહંકારરહિત બની જાય છે કારણ કે ક્ષમા ન કરવામાં જો સૌથી મોટું કોઈ તત્વ આડું આવતું હોય તો તે અહંકાર છે. ક્ષમા તો હૃદય ઉદાર બને તો જ આપી શકાય ! માફી આપવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વ્યક્તિના મન પરનો બોજ હળવો થઈ જાય છે. વ્યક્તિ જેવો છે તેવો દોષસહિત સ્વીકારવાની તૈયારી તેને મૂઠીઉંચેરો બનાવે છે. એક સાયકોલોજી બુલેટિન પ્રમાણે, ‘માફી આપવાથી હકારાત્મક વિચારો વધે છે, તાણ ઘટે છે, બ્લડપ્રેશર ઘટે છે અને હૃદય પર સારી અસર થાય છે.’ ક્ષમા સંબંધોને મજબૂત બનાવે છે. જે લોકો કોઈ પણ વાતને જલ્દીથી ભૂલી શકતા હોય અને બીજાને માફ કરી શકતા હોય તેમની તંદુરસ્તી પણ સારી રહે છે.

એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી. તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અદ્યાપકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું ! બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટાટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધા બટેટા સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું. વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન્ન કરે છે. નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.

ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે. બે ના ચાર થાય એમ વેર હંમેશા બમણું થતું રહે છે. કોઈક વાર તો પેઢીઓ સુધી વિસ્તરે છે અને નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લે છે. આપણે જો કોઈકનાં દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે. ઈશ્વર માણસ કરતાં વધારે કરુણાવાન છે. ક્ષમાનો ગુણ કદાચ એક કલાક કે એક દિવસ કે એક અઠવાડિયમાં ભલે વિકસિત ન થઈ શકે પરંતુ તેનો મહાવરો કરવાથી ધીમે ધીમે તેને કેળવી શકાય છે. લાંબેગાળે તે આપણા જીવનમાં ચોક્કસ સિદ્ધ થઈ શકે છે. માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે; તેથી આપણને તેનો ફાયદો ચોક્ક્સ થવાનો જ છે.

સંબંધોમાં સ્નેહસિંચન ”

‘કુટુંબ એટલે આપણે માટે મોટી સોશ્યલ સિક્યુરિટી. કુટુંબમાં જ મેઘઘનુષના રંગો જેવા વિવિધરંગી સંબંધો અને સગપણની ક્યારીમાં જીવન મહોરી ઊઠે.’ મને મારા પિતાજી કહેતા હતા, પરંતુ યુવાનીના એ દિવસોમાં મને થતું હતું કે આ બધી આદર્શ પરિસ્થિતિનું કવિ કે લેખકની કલ્પનાશીલ કલમે લખાયેલું ચિત્ર છે. બાકી જીવનની નક્કર વાસ્તવિકતા સાવ જુદી છે. દૂરથી ડુંગર રળિયામણા લાગે તેમ દૂરથી બધું સારું લાગે. પાસે જઈએ તો ત્યાં પથરા જ પથરા હોય.

મને એ વર્ષોમાં થતું હતું : આખો વખત સગાસંબંધીઓની કટકટ… જાતજાતના સ્વભાવના અને પ્રકૃતિના માણસોનો શંભુમેળો થાય ત્યારે તમે કેટલાંના મન સાચવો ! તમારા તનની અને મનની ઘણી શક્તિઓ આ બધાને સાચવવામાં જ વેડફાવવાની. આ બધા વચ્ચે તમે પોતાને માટે કેટલું કરી શકો ! અનિલ ભલેને મજાકમાં કહેતો હોય, પણ એ સાચું જ કહે છે, ‘સગાઓ વહાલા નથી હોતા !’ પરંતુ શું થાય ? કુટુંબમાં આપણે રહીએ છીએ અને સમાજમાં જીવીએ છીએ એટલે સમાજના કેટલાક ધારાધોરણમાંથી છટકી નથી શકતા. એટલે સગાસંબંધીઓથી છૂટી નથી શકતા, પણ એમનાથી જેટલા દૂર રહીએ એટલું સારું.

અમદાવાદનો આલિશાન બંગલો, સુખસગવડ અને સગાવહાલા બધું છોડીને પરદેશમાં રહેતી નંદિનીએ મને કહ્યું હતું : ‘લગ્ન પછી બે વર્ષ હું સાસરે રહી. પણ બધા સગાઓથી ત્રાસી ગઈ ! અહીં પરદેશમાં શાંતિ તો છે. કોઈની સતત ટીકા-ટિપ્પણી તો નહીં ! સતત સલાહસૂચનો-રિસામણાં-મનામણાં તો નહીં.’…. એક રોહિત નામનો યુવક એના મિત્રોને કહે છે : ‘રજા પડે છે ત્યારે મને હૉસ્ટેલમાંથી ઘેર જવાનું મન થતું નથી. ઘેર ગયા એટલે બા-બાપુજીની એકની એક વાતો અને શિખામણો. કેટલું ‘બોરિંગ’ હોય છે આ બધું….’ – આજે મહદઅંશે યુવાવર્ગમાં આ પ્રકારની લાગણી પ્રવર્તતી તમને દેખાશે. એમને થતું હોય છે, જવા દો ને સગાંઓની વાત… એના કરતાં મિત્રો સારા. માથાકૂટ તો નહીં ! કુટુંબ પ્રત્યે-સગાંસંબંધી પ્રત્યે અણગમો રાખવો એ આજની ફૅશન થઈ ગઈ છે.


પરંતુ આજે મને લાગે છે કે આ વિચારધારા યોગ્ય નથી. પરિણીત જીવનના પાંચ દાયકાથી યે વધુ સમય વીતી ગયો છે ત્યારે એ ભર્યાભાદર્યા કુટુંબનું મૂલ્ય મને બરાબર સમજાય છે. મેઘલી ગમગીન સંધ્યાએ હું એકલી મારા ફલેટની બાલ્કનીમાં સાંજે બેઠી છું, ત્યારે ઘરની સૂમસામ શાંતિ મને ગૂંગળાવે છે. ભયંકર ખાલીપો લાગે છે. થાય છે ક્યાં ખોવાઈ ગયાં એક વખતનાં હાસ્યવિનોદ, તોફાન-મસ્તી, રિસામણાં-મનામણાં, હાસ્ય અને રુદન ! ઉગ્ર ચર્ચા અને વડીલોનો મક્કમ અવાજ અને તરુણોનો વિરોધ ! આઠદસ માણસો તો ઘરમાં હોય જ, વડીલોથી માંડી બાળકો સુધી ! રક્ષાબંધન, નવું વર્ષ અને વર્ષ ગાંઠ નિમિત્તે કુટુંબીજનો ભેગા થાય ! લગ્નવિવાહનો પ્રસંગ હોય કે કોઈકની માંદગી, બધા જ હાજર થઈ જાય અને વારાફરતી ફરજ સંભાળી લે. અમને બહારની કંપનીની જરૂર નહોતી પડતી. ઘરમાં જ કંપની હતી. એ દિવસોની શિસ્ત, કુટુંબનાં ધારાધોરણો, માનમર્યાદાના ખ્યાલો તે વખતે ખૂંચતાં હતાં, પરંતુ એ બધામાંથી સ્નેહ અને સલામતી નીતરતાં હતાં, તે હું આજે સમજી શકું છું અને મનોમન ઝંખું છું. એ વીતેલા દિવસોને….

ફિલ્મ, સાહિત્ય અને આપણે જેને ‘પોપ્યુલર કલ્ચર’ કહીએ છીએ એમાં રંગદર્શી પ્રણયનો – રોમેન્ટિક લવનો – મહિમા થતો આવ્યો છે. આવા પ્રેમનું લોકો સ્વપ્નું સેવતા હોય છે. કોઈક એવી કલ્પનાની મૂર્તિ મળી જાય તો બસ, એવું થતું હોય છે. આ પ્રકારના રોમેન્ટિક પ્રેમમાં તમારી રુચિ – મૂલ્યો અને પ્રકૃતિ સાથે જે બંધબેસતું આવતું હોય તેને માટે આકર્ષણ થાય છે. આવો પ્રેમ સફળ થાય અને એ ટકી રહે એ માટે તમે સક્રિય રહો છો. તમે એ માટે જાગ્રત રહી પ્રયત્નશીલ રહો છો. ગમે તે કારણે આ સંબંધ તૂટે તો એ પૂરો થઈ જાય છે. પરંતુ કુટુંબ સાથેનો સંબંધ ક્યારે પૂરો થઈ જતો નથી. તમારા પરિવારને તમે ભૂલી શકતાં નથી. લેખક માર્ક બ્રાયન એમના વિખ્યાત પુસ્તક ‘Codes of Love’ માં કહે છે : ‘કૌટુંબિક સંબંધ તમારી સાથે જ રહે છે. તમારા હૃદયના થીજીને સખત થઈ ગયેલા ખૂણામાં એ રહે છે – જે જગ્યા તમે એમને માટે તમારા હૃદયમાં નિર્માણ કરી હતી. તમે ભલેને એમનાથી હજારો માઈલ દૂર કેમ ન હો, પણ તેઓ નજીક છે. ભલેને તમને એકબીજા પ્રત્યે એક વખત કેટલોયે ગુસ્સો આવ્યો હોય, છતાં સંબંધ રહે છે – એ સંબંધ રહે છે તમારા મનનાં ઊંડાણમાં.’

લેખક માર્ક બ્રાયને ‘Codes of Love’ પુસ્તકમાં પોતાની કુટુંબકથા, કુટુંબ સાથેનો વિચ્છેદ અને વર્ષો પછીના મિલનની વાત કહી છે. એની સાથે એમણે જીવનમાં કૌટુંબિક સંબંધના મૂલ્યનું તેમજ કાઉન્સેલર તરીકેના તેમના અનુભવોનું સુંદર નિરૂપણ કર્યું છે. ઈ.સ. 1999માં ઓપરાહ વીનફ્રેની ટીમમાં ‘Change your life’ – તમારું જીવન બદલો – એ ટેલિવિઝન કાર્યક્રમમાં કામ કરતા હતા અને વર્ષોથી વિખૂટાં પડેલાં માતાપિતા અને એમનાં સંતાનોને ટી.વી. સ્ક્રીન પર એમણે ભેગા કર્યા હતા ! આ એમની અદ્દભુત કામગીરી હતી. મેં અમેરિકામાં આવો એક અત્યંત સંવેદનશીલ કાર્યક્રમ ટી.વી. પર અશ્રુ છલકતી આંખે જોયો હતો. હું કુટુંબમિલનનું એ દશ્ય ક્યારેય નહીં ભૂલી શકું.

લગભગ બે વર્ષ પહેલાંની વાત. વૉશિંગ્ટનમાં અમારા ભાણેજ મકરંદભાઈને ઘેર અમે હતાં. રાત્રે મોડે સુધી પહેલાંના કૌટુંબિક સંબંધોની અને પહેલાની નાનીમોટી ઘટનાઓનાં મધુર સંભારણામાં અમે ખોવાઈ ગયા હતા. એ વખતે મકરંદભાઈએ મને કહ્યું હતું : ‘તમે માર્ક બ્રાયનનું ‘Codes of Love’ પુસ્તક જરૂર વાંચજો. હું તો કહું છું કે કૌટુંબિક સંબંધો પરનું આ બાઈબલ છે.’ પછી તો એ પુસ્તકની વાત હું વીસરી ગઈ હતી ત્યાં અચાનક એ પુસ્તક મારે માટે આવી પહોંચ્યું. મારી પુત્રી અસ્મિતા એ લઈ આવી હતી. 280પાનાંના આ પુસ્તકની શૈલી સરળ અને રસપ્રદ છે. એમાં ભારોભાર નિખાલસતા છે. આપણા સૌની – આપણા કુટુંબજીવનની કોઈને કોઈ ઘટના – કોઈને કોઈ સમસ્યાનું આલેખન આ પુસ્તકમાં જોવા મળે છે. માર્ક બ્રાયને અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી માનસશાસ્ત્રમાં ‘સ્પેશ્યલાઈઝેશન’ કર્યું છે. ‘પ્રોડીગલ ફાધર’ (Prodigal father) અને ‘રિયુનાઈટિંગ ફાધર્સ એન્ડ ધેર ચિલ્ડ્રન’ (Reuniting fathers and their children) એમનાં બીજાં મહત્વનાં પુસ્તકો છે. શિથિલ થઈ ગયેલા – લુપ્ત થઈ ગયેલા કે તૂટી ગયેલા કૌટુંબિક સંબંધોના તારને ફરીથી ઘટ્ટ પોતમાં કેવી રીતે વણી શકાય તે માટે લેખકે મુખ્ય ચાર સૂત્રો આપ્યાં છે. ચાર ‘R’ – ‘આર’માં આ બધું આવી જાય ! આ ચાર ‘આર’ તે (1) Remember – યાદ કરો (2) Reflect – ચિંતન કરો (3) Reframe – ફરી નવો આકાર આપો. (4) Reconnect – પુનર્સંધાણ કરો.

યાદ કરો – Remember : લેખક કહે છે, તમારે તમારા કૌટુંબિક સંબંધને ગાઢ અને આત્મીય બનાવવો છે ને ? તો તમે કુટુંબના અને કુટુંબના સદસ્યોના માત્ર શ્યામ અને વિષાદભર્યા રંગો ન જોયા કરો. તમે તેમાં થોડા નવા રંગો ઉમેરો. આ રંગો તે સંતોષનો – ઉષ્માનો અને નવ ચેતનાનો. નવા ઉજ્જવળ રંગો ઉમેરીને પછી જુઓ કે ચિત્ર કેટલું બદલાઈ જાય છે. તમારા પરિવાર સાથે વિતાવેલો સારો સમય તમે યાદ કરો. એ સુખદ ક્ષણોને તમે ‘reclaim’ કરો. એને સજાવો. એક વખત તમે એમની ઉજ્જ્વળ બાજુ જોવા માંડશો. એટલે આપોઆપ દુ:ખદ સ્મૃતિઓ ઝાંખી પડી જશે અને એનું સ્થાન નવી મધુર સ્મૃતિઓ લેશે. ખાસ તો પારિવારિક સંબંધોમાં રહેલા માધુર્યને પામવા માટે તમારે બહારથી દેખાતાં કડવાશના કોચલાને ફેંકી દેવું પડે.

‘ચિંતન-મનન કરો..reflect’ – ઊંડાણથી વિચાર કરો. તમારું ચિંતન તમને અન્યના દોષોને અતિક્રમી જવાનું શીખવે છે. તમે જ્યારે ઊંડો વિચાર કરો છો ત્યારે તમે તમારી જાતને સાચી સાબિત કરવાનું છોડી દો અને ઘટના-પ્રસંગ કે વ્યક્તિના વર્તન પાછળના અર્થને ઊંડાણથી શોધો છો. કોઈ પણ મોટા ઘાને રુઝવવાની શક્તિ કરુણામાં રહી છે. તમને પોતાને જ થશે કે આપણે પોતે સંપૂર્ણ નથી. બીજાંઓથી પણ ભૂલ થાય. આપણે બધા જ માણસો છીએ અને ક્યારેક ને ક્યારેક નિષ્ફળ નીવડતાં હોઈએ છીએ. કરુણાસભર દષ્ટિથી જોતાં અને વિચારતાં થઈશું તો આપણે આપણા ભૂતકાળને અને વર્તમાનને નવી રીતે જોતાં થઈશું. સમજણ અને સહાનુભૂતિના નવા પ્રકાશમાં ઘટનાઓને અને વ્યક્તિઓને મૂલવશું, એટલું જ નહીં આપણે અન્ય લોકોના દષ્ટિબિન્દુને વધુ સારી રીતે સમજતાં થઈશું અને પછી આપણને બીજાના દોષ ઓછા ને ઓછા લાગશે. કુટુંબમાં બધાને કંઈ ને કંઈ દોષનું ‘લેબલ’ લગાડી દેવાની આપણામાંથી ઘણાને આદત હોય છે. ‘કાકા કંજૂસ છે’, ‘ફોઈ ઝઘડાળું છે…’, ‘પિતરાઈ ભાઈ લુચ્ચો છે..’, ‘પિતાજી બહુ જ કઠોર છે…’, ‘મા બહુ કચકચિયણ છે.’ વગેરે… પરંતુ આ બધાં દોષનાં લેબલ આપણે આપણી બચપણની અપરિપક્વ દષ્ટિએ લગાડ્યાં હતાં. આપણને તે કાળે ક્યાં સમજ હતી કે આપણાં માતાપિતાને કુટુંબની જવાબદારીઓ નિભાવવા માટે અને બદલાતાં જતાં જીવન સાથે તાલમેલ મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે ! બાળક પર આ બધા તણાવની અસર પડે છે પણ એ તણાવ સમજવાની તે કાળે તેનામાં શક્તિ નથી હોતી.

માનસશાસ્ત્રી ફ્રોઈડે એક જબરજસ્ત વિધાન કર્યું અને એણે કહ્યું કે ‘મોટી વયની સમસ્યાઓનું મૂળ આપણા બચપણમાં રહેલું હોય છે.’ એનું પરિણામ એ આવ્યું કે આપણે મેગ્નિફાઈંગ ગ્લાસથી આપણા જે સૌથી નિકટવર્તી માણસો છે – જે આપણા આપ્તજનો છે – જેમની સાથે આપણો જન્મનો-લોહીનો સંબંધ છે, તેમના દોષ જોવા મથીએ છીએ ! જ્યારે બીજા માનસશાસ્ત્રી જેઈમ્સ હિલમેને કહ્યું છે કે આમ કરવાથી આપણા પરિવારના નાના દોષને મોટા કરીને જોવાથી આપણું જે પઢી દર પેઢીના સંબંધોનું જોડાણ છે તે તૂટી જાય છે, એટલું જ નહીં, પણ આપણી ક્ષતિઓને – મુશ્કેલીઓને આપણે આપણા બચપણની શૈયાની નીચે શોધવા મથીએ છીએ. આપણે જ્યારે આપણા પરિવાર પ્રત્યે જાણે ચુકાદો આપવા બેઠા હોઈએ એવી વૃત્તિ સેવતા રહીએ છીએ ત્યારે એનું પરિણામ શું આવે છે ? આપણે આપણાં સ્વજનોથી દૂર હડસેલાઈ જઈએ છીએ. માટે સતત એમના દોષ શોધવાનું અને જોવાનું તેમ જ એમના ન્યાયાધીશ થવાનું બંધ કરીએ.

‘રીફ્રેઈમ કરો….’ લેખક આગળ જતાં કહે છે : તમે તમારા સંબંધોને રીફ્રેઈમ કરો – એને નવો આકાર આપો – એને ફરી મઢો. કૌટુંબિક સંબંધોની તસ્વીરને ફરી ફ્રેઈમ કરો. આ માટે તમે વર્ષોથી જેને સત્ય માની લીધું હોય તેને તમારે બાજુએ રાખવું પડશે. આપણાં અંતરમાં ક્રોધ અને ઘૃણાને સ્થાને સ્નેહ, સંવેદના અને કરુણા ઉત્પન્ન કરવાનાં છે. આપણે આપણાં સ્વજનો સાથે પુનર્જોડાણ કરવું છે ને ? ફરીથી સંલગ્ન થવું છે ને ? તો યાદ રાખીએ કે આપણું કુટુંબ જે પરિસ્થિતિઓમાં મૂકાયું તે બધી તેમની સર્જેલી નહોતી ! કેટલાયે સંજોગો જ આવી પડતા હતા. ફોટોગ્રાફર તસ્વીરમાં સમયની એક ક્ષણની ઝડપી લે છે, પણ એ પોતે તસ્વીરમાં લાગણીના પ્રત્યાઘાતો પડી શકે એવી રીતે પોતાની કળાથી તસ્વીરને ફ્રેઈમ કરી શકે છે. આપણે પણ સંબંધોની તસ્વીરને નવી રીતે ફ્રેઈમમાં મઢવાની છે ! પછી જુઓ એ તસ્વીર કેવી લાગે છે તે !

પુનર્સંધાણ (Reconnection) : તમે કદાચ કહેશો કે અમે અમારા પરિવાર સાથે સંપર્કમાં રહીએ છીએ. પ્રસંગોપાત મળતા રહીએ છીએ. નૂતનવર્ષે કાર્ડ મોકલીએ છીએ, પરંતુ લેખક માર્ક બ્રાયન કહે છે કે આ સંપર્ક એ સાચું જોડાણ નથી. ‘Contact is not connection.’ લાગણીનું જોડાણ એટલે શું ? કેટલીયે વખત કુટુંબીજનો સાથે સંપર્કમાં રહીએ છીએ, પણ તેમાં ઔપચારિકતા વધુ હોય છે. બધું ઉપરછલ્લું હોય છે. આને ‘કોન્ટેક્ટ’ કહી શકાય. ‘કનેકશન’ નહીં. આ સંપર્કને, સંબંધને લાગણીસભર સંયોગમાં કેવી રીતે બદલી શકીએ એ માટે લેખકે મૂલ્યવાન સૂચનો કર્યાં છે. આપણને આપણી સ્વતંત્રતા ગમે છે તેમ બીજાને પણ ગમતી હોય છે, તેથી કુટુંબીજનોની સ્વતંત્રતાનો આદર કરો. આપણે એમની તાકાત અને નિર્બળતા સમજીએ અને તે પણ દોષ કાઢવા માટે કે એમને વિશે ચુકાદો આપવા માટે નહીં, પણ સમજવા માટે. બે પેઢી વચ્ચે આચારવિચાર, રહેણીકરણી અને જીવનશૈલી અંગે સંઘર્ષ થતો હોય છે. દરેક કુટુંબની પોતાની આચારસંહિતા અને પરંપરા હોય છે. ખાસ કરીને માન આબરૂ, ઈજ્જત અંગે ખાસ ખ્યાલ હોય છે એટલે ઘણી વખત બે પેઢી વચ્ચે લગ્ન, વ્યવસાય, કારકિર્દી અંગે વિખવાદ સર્જાય છે. બંને પોતાના વિચારોમાં અને ઈચ્છામાં દઢ રહે છે ત્યારે આ મતભેદ લોહીના સંબંધને એક ઝાટકે તોડી નાખે છે. બંને પક્ષે જિંદગીભર મનમાં એક દુ:ખ થીજેલા અંગારાની માફક અંદરથી જલતું રહે છે. દરેક નવી પેઢી આગલી પેઢીના ખ્યાલોને નવો અર્થ આપવા માંગતી હોય છે, એટલે સંઘર્ષ થાય. ભૂતકાળમાં કંઈક અણગમતું કે અનિચ્છનીય બન્યું હોય તેને મનમાંથી ભૂંસી નાખો અને જે સુંદર હતું, સારું હતું તે યાદ કરો અને જુઓ.

ટૉલસ્ટૉયે ‘એન્ના કરેનીના’માં કહ્યું છે : ‘સુખી કુટુંબો બધાં સમાન હોય છે અને દરેક કુટુંબ પોતાની રીતે દુ:ખી હોય છે.’ બધા જ કુટુંબમાં કંઈ ને કંઈ સંઘર્ષ હોય છે અને સાથે તાકાત પણ હોય છે, માટે પરિવાર પ્રત્યે નકારાત્મક અભિગમ અને દષ્ટિકોણને બદલે વિધેયક રીતે જોવું જોઈએ. આપણાં મિત્રોની, ઓળખીતાઓની અને બહારના લોકોની આપણે સલાહ પૂછીએ છીએ, ‘આ મકાન લઉં કે નહીં આ શેરર્સ લેવા જેવા છે કે નહીં ? કઈ સ્કૂલ સારી છે ?’ પણ ઘરનાની નહીં ! મા-પિતા-ભાઈ કે બહેને સલાહ આપી તે તમારે માનવી જ એવું તો નથી. પસંદગીની – નિર્ણયની સ્વતંત્રતા તમારી રહે છે જ. પરંતુ તમે એમને પૂછશો, એમની સલાહ લેશો તો એમને સારું લાગશે, એટલું જ નહીં પણ બંનેને પોતીકાપણું લાગશે. દરેક સંબંધમાં બાંધછોડ તો કરવી જ પડે છે, અનુકૂળ થવું પડે છે તો પરિવાર સાથે જ શા માટે નહીં ? લવચીકતા તો મોટી તાકાત છે. એનાથી તો સંબંધ ટકી રહેતા હોય છે. મિત્રો સાથે પણ સમાધાન નથી કરવું પડતું ? સાથે હળતાંમળતાં રહો. પ્રસંગોપાત પિકનિક-પર્યટનની યોજના કરો. વર્ષે બે વર્ષે પરિવારમિલન – Family Union ગોઠવો. એનાથી એકબીજાં સાથે વધુ ગાઢ સંબંધ થશે. ભેટની આપ-લેથી પણ આનંદ આવે છે. આમાં ભેટ કેટલી મોંઘી છે તે મહત્વનું નથી, પરંતુ મહત્વનો છે તેની પાછળનો ભાવ-લાગણી અને સ્નેહ. આપણને કોઈક પ્રેમથી યાદ કરે છે એ જ કેટલું આનંદપ્રદ હોય છે !

કૌટુંબિક સંબંધોની ગાંઠ ઢીલી થઈ ગઈ હોય કે એક વખત એમાં તિરાડ પણ પડી હોય તે છતાં એ સંબંધમાં બદલાવ આવી શકે છે. ખૂંચતા સંબંધને સુકોમળ સ્નિગ્ધ સંબંધમાં રૂપાંતરિત કરવાનો છે. એ ભગીરથ કાર્ય જરૂર છે, પણ એ માટેની તીવ્ર ભાવના હોય તો એ થઈ શકે છે. આ સંબંધ આપણા જીવનમાં સુખ અને સંતોષ માટે ખૂબ આવશ્યક છે. પણ એની શરૂઆત તો આપણે પોતે જ કરવી પડશે. આપણે પોતે જ બદલાવું પડશે. પ્રેમ મેળવવા કરતાં પણ વિશેષ જરૂર હોય છે પ્રેમ કરવાની. આપણે જ્યારે આપણા પરિવારને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણી જાત પ્રત્યે આપણને પ્રેમ અને આદર થાય છે. જીવનમાં કુટુંબજનો સાથે રહેવું – એમને પ્રેમ કરવો અને એમનો પ્રેમ સંપાદન કરવો એ કેટલું મોટું સદભાગ્ય છે એ જેઓ સમજતાં નથી, તેઓ જ કહેતાં હોય છે – ‘સગાઓ અને કુટુંબની વાત જ જવા દો. એમનાથી હું તો દૂર જ ભાગું છું.’ આવા લોકો ખરી રીતે તો પોતાનાં સામાજિક કર્તવ્યો અને જવાબદારીઓથી ગભરાઈને ભાગતા હોય છે. મને તો લાગે છે કે એમને પોતાના પતિ કે પત્ની સાથે અને સંતાનો સાથે પણ સારા સંબંધો નહીં હોય. જે પ્રેમાળ પુત્ર કે પુત્રી, ભાઈ કે બહેન નથી બની શકતું તે પ્રેમાળ પિતા-પતિ કે પત્ની પણ ન થઈ શકે. કૌટુંબિક સંબંધોનું એવું છે કે તમે એમાં જેટલું મૂકો – જેટલું ‘ઈનપુટ’ કરો એટલું ‘આઉટપુટ’ મળે. તમે તમારા માતાપિતા અને કુટુંબીજનો સાથે જેવો વર્તાવ કરશો તેવો જ વર્તાવ તમારાં સંતાનો તરફથી તમને મળશે. ઈરાનની આ જૂની લોકકથા સૌએ યાદ રાખવા જેવી છે.

એક વૃદ્ધ દાદા એમના પુત્રના પરિવારની સાથે રહેવા ગયા. થોડા સમય પછી એમના પુત્રને થયું કે એના પિતાને કારણે ઘરમાં સંકડાશ પડે છે એટલે એણે પોતાના પુત્રને બોલાવીને કહી દીધું કે દાદાજી માટે આપણા વાડામાં એક ઓરડી છે તેમાં રહેવાની વ્યવસ્થા કરી તું એમને ત્યાં રાખી આવ. એમને માટે ઘાસની પોચી પથારી કરજે અને ઘરમાં આપણો જે સરસ કામળો છે તે એમને ઓઢાડજે… પૌત્રે એના પિતાએ કહ્યું તે પ્રમાણે દાદા માટે વ્યવસ્થા કરી. દાદાને ઘાસની પથારીમાં સુવાડ્યા અને અડધો કામળો એમને ઓઢાડ્યો અને બાકીનો અડધો લઈ ઘરમાં આવ્યો.
‘મેં કહ્યું હતું તે પ્રમાણે તેં બધું કર્યું ને ? તો પછી એમને અડધો જ કામળો કેમ ઓઢાડ્યો ?’ પિતાએ પુત્રને પૂછ્યું.
‘કારણ કે બાકીનો અડધો મેં તમારે માટે બાકી રાખ્યો છે.’ પુત્રે કહ્યું.

આપણે આપણા વડીલો સાથે જે પ્રમાણે વર્તાવ કરીએ છીએ તે જ આપણાં સંતાનો શીખશે. આપણે ભવિષ્યમાં થોડી દષ્ટિ કરવાની જરૂર છે. તમે તમારી આગલી પેઢીને જુઓ. તમે મધ્યબિંદુ પર પીવટ પોઈન્ટ પર ઊભા છો અને હવે જુઓ, આવતી પેઢીને. આપણે જે રીતે આપણી આગલી પેઢી સાથે વર્તીશું અને જે રીતે આવતી પેઢીને ઉછેરીશું તે બધું આપણા પર જ પરાવૃત થવાનું છે, તે યાદ રાખીએ. સ્નેહાળ અને સુખદ પારિવારિક સંબંધમાંથી સંતોષના કિરણ ફેલાતાં હોય છે. આપણાં ચારિત્ર્યને એ બળ આપે છે. એનાથી આપણા જીવનસાથી – સંતાનો, મિત્રો અને બીજા અનેક લોકો સાથે વધુ સુખદ સંબંધો રચવાની આપણામાં ક્ષમતા આવતી હોય છે.

આજે જ્યારે વૈશ્વિકરણે અને યંત્રવિદ્યાએ (ટેકનોલોજીએ) જગતને ઘણું નજીક આણ્યું છે ત્યારે આપણાં પોતીકાં સ્વજનો દૂર થઈ ગયાં હોય એમ લાગે છે. અઢળક માહિતીઓથી આપણું મગજ ભરાતું જાય છે – બુદ્ધિ તીક્ષ્ણ બનતી જાય છે, ત્યારે હૃદયની લાગણીઓ બુઠ્ઠી થતી જાય છે. કેટલાંયે માતાપિતાનો સંતાનો દ્વારા અનાદર થઈ રહ્યો છે. ભાઈઓ-ભાઈઓ વચ્ચે અને પરિવારના સભ્યો વચ્ચેનો અનુબંધ શિથિલ થતો જાય છે અને જ્યારે કૌટુંબિક ભાવના લુપ્ત થતી જાય છે, ત્યારે આપણે આત્મનિરીક્ષણ કરવાનું છે કૌટુંબિક ભાવના ઓસરતી જાય છે તેમાં આપણી અણસમજ, આપણો વાણીવ્યવહાર જવાબદાર તો નથી ને ? આપણી સામે રહેલા સ્વજનો પ્રત્યે માત્ર આંગળી ચીંધવાથી આગ્રહો-પૂર્વગ્રહોની ગાંઠ ઉકેલાશે નહીં. કૌટુંબિક સંબંધોના નાજુક તાંતણાઓમાં ગૂંચ પડે છે. ક્યારેક સખત ગૂંચ પડે તેથી તે તાણાવાણાને ઉતાવળથી કાપી નાંખવાના ન હોય. અપાર ધીરજ અને કુશળતાથી ઉદારતાપૂર્વક એ સંબંધોમાં પડેલી ગૂંચને ઉકેલવાની હોય છે, રાહ જોવાની હોય છે, જેથી સ્વજનો સાથેના સૂકોમળ સંબંધો અકબંધ રહે. આપણી પાસેના કોઈ સાધનના સાંધાઓમાં કાટ જામી જાય છે, તેથી સંચલન વખતે કર્કશ અવાજ થાય છે. આપણે ત્યારે તેલ ઊંજીએ છીએ, એમ માનવસંબંધોમાં વિમુખતા આવે, ઘસારાના પ્રસંગો આવે, ત્યારે સ્નેહના સિંચન સમો બીજો કોઈ કારગત ઉપાય નથી.

“પોતાની જાતને બદલવી છે ? ”

જીવનમાં આમ જુઓ તો નાની નાની બાબતો કે પ્રસંગો બન્યા જ કરતા હોય છે પણ આપણે એ બાબતોને ક્યારેય મહત્વ આપ્યું જ નથી. અને એ બાબતો કે પ્રસંગોનું આપણા વિકાસમાં મહત્વ છે. ઘણું મોટું મહત્વ છે એની આપણને ખબર જ નથી. ભલે એ બાબત કે પ્રસંગ નાનો લાગતો હોય પણ આપણું આખું જીવન બદલાઈ શકે છે એટલી નાની બાબત કે પ્રસંગથી. એ માટેની વાત મેં હમણાં જ તાજેતરમાં વાંચી. એના લખનાર છે ડબલ્યુ. કલેમેન્ટ સ્ટોન. એમાં જે પ્રસંગની વાત લખી છે એ પ્રમાણે આપણામાંથી ઘણાં આજે પણ કરતા જ હશે અને એટલે જ આ પ્રસંગનું આપણે માટે મહત્વ ઘણું વધી જાય છે. પ્રસંગ આ પ્રમાણે છે :

‘પપ્પા, તમે મને વચન આપ્યું હતું કે તમે મને વાર્તા કહેશો.’
લોઉ ફિંકે એના ચાર વર્ષના બાળક કેન્ટનો અવાજ સાંભળ્યો. શુક્રવારની મોડી સાંજ પસાર થઈ રહી હતી. એને ઑફિસેથી ઘેર આવતાં ઘણું જ મોડું થઈ ગયું હતું. અને એને કારણે એ કેન્ટ સાથે સાંજનું વાળુ લઈ શક્યો ન હતો અને લોઉએ એની પત્ની પેગને ફોન પણ કર્યો ન હતો. પેગ હજારો સ્ત્રીઓની માફક રાહ જોયા કરે અને કલાકો વીત્યા કરે. ‘રસ્તાઓ લપસણા થઈ ગયા છે. કદાચ મોટરનો અકસ્માત પણ થયો હોય ! પણ લોઉએ ફોન તો કર્યો જ હોત.’ પેગ વિચારતી હતી. પેગને આ રાહ જોવાનું ગમતું ન હતું. એને આ અનિશ્ચિતતાથી ઘણી અકળામણ થતી.

પણ હવે લોઉ ઘેર આવી ગયો હતો. એ હવે કેન્ટની પ્રભુ માટેની પ્રાર્થના સાંભળી શકશે અને એને પથારીમાં ઊંઘાડી શકશે. પત્ની પેગે બધું ગરમ કરવા માટે હવે રસોડું સંભાળ્યું. અને લોઉ કેન્ટને ઊંચકીને બેડરૂમમાં લઈ ગયો.
‘પપ્પા ! તમે વાર્તા કહેશોને ?’
‘પપ્પા તને કાલે રાત્રે વાર્તા કહેશે.’ પેગે રસોડામાંથી બૂમ પાડી કહ્યું.
‘પપ્પા ! ગઈકાલે રાત્રે તમે કહ્યું હતું કે જો તું અત્યારે તરત ઊંઘી જઈશ તો હું તને કાલે વાર્તા કહીશ. અને હું તમે કહ્યું કે તરત જ ઊંઘી ગયો હતો. તમે મને વચન આપ્યું હતું. પપ્પા ! તમે મને પ્રોમીસ આપ્યું હતું.’
લોઉએ કેન્ટની સામે જોયું અને કહ્યું : ‘વચન એટલે વચન અને કરાર એટલે કરાર. હંમેશા આ વાત યાદ રાખજે બેટા !’ અને લોઉએ કેન્ટને વાર્તા કહેવી શરૂ કરી – પરીઓની વાર્તા જેવી. જેમાં એક છ વર્ષનો છોકરો જંગલના બધા જ પ્રાણીઓનો મિત્ર હોય છે. એ બધાંને એમના નામથી ઓળખતો હતો. અને એ એમની સાથે એમની ભાષામાં વાત કરી શકતો હતો. એ એ બધાંને સમજી શકતો હતો અને બધાં એને સમજી શકતાં હતાં. અને આ પ્રમાણે બનતું હતું એનું કારણ જાદુઈ શક્તિ હતી. પણ આ બધું ત્યાં સુધી જ બની શકે જ્યાં સુધી આપેલું વચન પાળે.


લોઉ આગળ વાર્તા કહે, જેમાં પેલો છોકરો વચન પાળતો નથી, એ ભાગ આવે તે પહેલાં જ દીકરો કેન્ટ ઊંઘી ગયો. એ થાકી ગયો હતો અને કદાચ આ વાર્તાની અસરને કારણે પણ લોઉને ઊંઘ આવવા માંડી અને એ પણ ઊંઘી ગયો. પેગે આવીને જગાડ્યો, ‘ચાલો, જમવાનું તૈયાર થઈ ગયું છે. બહુ મોડું થઈ ગયું છે અને આજે બપોરે મને જમવાનો સમય નથી મળ્યો એટલે બહુ ભૂખ લાગી છે.’ વચન એટલે વચન – આ વિચાર લોઉના મનમાં જમતી વખતે પણ ઘોળાયા કરતો હતો. અને એ સ્વાભાવિક પણ હતું. અને પરીઓની વાર્તાના મૂળ ઘણીવાર મનમાં ઊંડે સુધી ઊતરી જતા હોય છે. જમ્યા પછી ખુરશીને સહેજ ખસેડી ટેબલથી સહેજ દૂર, બેસી તે બોલ્યો, ‘તને ખબર છે ? કરાર એટલે કરાર અને વચન એટલે વચન.’

પેગે સ્મિત કર્યું. એ સમજી ગઈ હતી કે લોઉ પોતાની જોડે જ વાત કરી રહ્યો હતો. અને એ આગળ ચલાવશે એ પણ એને ખબર હતી. લોઉએ ચલાવ્યું પણ ખરું. ‘સારા માણસો હંમેશા પોતાનું આપેલું વચન પાળતા હોય છે. ખરી વાત કે નહીં ? માણસ હંમેશા બીજાને આપેલું વચન પાળે જ.’ પેગે ફરી સ્મિત વેર્યું પણ કંઈ બોલી નહીં. તે આગળ બોલ્યો : ‘પણ એમણે પોતાની જાતને આપેલા વચનનું શું ? અને નવા વર્ષે પોતે પોતાને માટે લીધેલા નિર્ણયોનું શું ? જે ફક્ત થોડા મહિનાઓ પૂર્વે જ લીધા હતા ? જરા વિચાર ! જો માનવી પોતે પોતાના માટે લીધેલા નિર્ણયો પ્રમાણે કામ કરે તો જીવનમાં કેટલો બધો આગળ નીકળી જાય !!! જે રીતે એ બીજાને આપેલા વચન આનંદથી વ્યવસ્થિત રીતે પાળે છે એવી જ રીતે પોતે પોતાને આપેલા વચન પાળે તો ?! અને શું પોતે પોતાને આપેલું વચન મહત્વનું નથી ? આ બીજાને આપેલ વચન કરતાં વધારે મહત્વનું ના કહેવાય ? શું એણે પોતાને આપેલા વચન પ્રમાણે પોતાનું વર્તન ન રાખવું જોઈએ ?’

‘મને એ વિચાર આવે છે કે સફળતાને વરેલા માનવીઓ અને સામાન્ય રગશિયા ગાડાની જેમ જીવતા માનવીઓમાં જે તફાવત છે તે આ જ છે. એ લોકોની નિષ્ફળતા એમણે પોતાને આપેલા વચન પ્રમાણે નહીં વર્તવાને કારણે જ આવતી હોય છે. આ આપણી પાસે રહેતી હેલને નવા વરસે નિર્ણય કર્યો હતો કે એને હાર્ટએટેક આવ્યા પછી કે ડૉક્ટરે જે કહ્યું છે અને જેટલું ખાવાનું કહ્યું છે એટલું જ ખાવાનું અને એણે એ નિયમ થોડા મહિના પાડ્યો. પછી ગમે તે ખાવા માંડ્યું અને ગમે એટલું ખાવા માંડ્યું. અને પછી મરી ગઈ…. અને આ જૉનું કુટુંબ દાનધર્માદા ઉપર જીવે છે. કારણ નવા વરસે જૉએ પોતે પોતાને વચન આપ્યું હતું કે એ હવે દારૂ નહીં પીએ. અને આજે એ ગટરમાં પડેલો, દારૂ પીધેલો મળે છે…… અને આ પેલો હોવાર્ડ સ્મિથ ! એને પ્રિન્સ્ટનની બહાર લાત મારીને કાઢી મૂક્યો ન હોત જો એણે પોતાની જાતને આપેલું વચન પાળ્યું હોત અને આપેલું ઘરકામ કર્યું હોત !’

પેગે ફરી સ્મિત કર્યું.
‘અને પેગ ! મેં પણ વચન આપ્યું હતું. અને મને હમણાં જ ખ્યાલ આવ્યો કે મેં પણ આપેલું વચન નથી પાળ્યું. મેં મને વચન આપ્યું હતું અને આ બહુ અગત્યની વાત છે.’
પેગ હસતી અટકી ગઈ. એને થયું કે લોઉ ખરેખર અત્યારે બહુ સિરિયસ થઈ ગયો છે. ખૂબ જ સિરિયસ ! અને ખૂબ જ ધ્યાનથી એ સાંભળવા લાગી.
‘પેગ ! ગયા નવા વરસે મેં મારી જાતને વચન આપ્યું હતું. મેં પ્રભુને વચન આપ્યું હતું કે દરેક નવા વરસે પ્રભુની મહેરબાની માટે હું એમનો આભાર માનીશ અને તારો અને કેન્ટનો પણ આભાર માનીશ. મેં તને સુખી કરવાનું વચન આપ્યું હતું. દરેક નાની નાની બાબતોમાં પણ, જેમાં હું કાળજી નહોતો રાખી શકતો.’ લોઉએ હવે પેગની આંખ સાથે આંખ મેળવી કહ્યું, ‘પેગ ! તું મારા ઉપર વિશ્વાસ રાખી શકે છે. હું સમયસર રાત્રે જમવા ટાણે હાજર થઈ જઈશ. અને તું જાણે છે કે હું બીજાને આપેલું વચન હંમેશા પાળું છું. અને હવે પછી હું મને આપેલું વચન પણ ચોક્કસ જ પાળીશ. જો કંઈ ઈમરજન્સી આવી જશે તો હું તને ફોન તો જરૂર કરીશ. અને ઘણો વહેલો ફોન કરીશ. એટલે તારે મારે માટે ચિંતા નહીં કરવી પડે. અને મને એ પણ ખબર છે કે તું મારે માટે આટલી બધી ચિંતા કરે છે કારણ કે તું મને ખૂબ ચાહે છે.’

પેગે ફરી સ્મિત વેર્યું. પણ હવે એણે સાંભળવાનું બંધ કર્યું. એ એની પાસે આવી. એના હાથમાં હાથ લઈને એણે કહ્યું, ‘લોઉ, મેં પણ નવા વરસે એક નિયમ લીધો છે કે તું ગમે તેટલો મોડો આવે તો પણ તારી જોડે ઝગડો ના કરવો. અને આજે મેં તારી જોડે ઝગડો નથી કર્યો. આ અઘરી વાત હતી છતાં આજે હું કરી શકી છું. અને મને લાગે છે કે આમ નિયમ પાળવાથી આપણે જે વચન આપણને આપ્યું હોય તે પાળવાથી આપણો આનંદ વધે જ છે. વિકાસ થાય છે.’

અને ત્યાર પછી આખી જિંદગી એ લોકો આનંદથી પસાર કરી ગયા. આ વાત વાંચ્યા પછી મને થયું કે આપણામાંથી કેટલા બધા માનવીઓ પોતાને આપેલું વચન નથી પાળતા ! એ જો પાળવા માંડે તો ! વાત એવી કંઈ અઘરી કે અશક્ય નથી. જો આપણે બીજાને આપેલું વચન પાળી શકતા હોઈએ તો આ તો આપણી પોતાની જોડેનો કરાર છે !!! અને એ આપણા વિકાસ માટે, આપણા આનંદ માટે જ છે. અને આપણે એને જ નથી પાળતા ! આ વાંચ્યા પછી આપણે બધા આપણને આપણે આપેલા વચન પ્રમાણે જીવવાનું નક્કી કરીએ તો !? અને આમ દર વરસે કંઈક ને કંઈક આપણે આપણને જ વચન આપીએ. નાનું તો નાનું, પણ એનાથી જીવનમાં મોટો ફેરફાર થઈ જાય એવું નથી લાગતું ? આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછવાનો છે.

‘બાલિકા વધૂ’


[સાહિત્ય બે પૂઠાંની બહાર પણ હોઈ શકે છે. તેના વિવિધ સ્વરૂપો છે. કદાચ તે ચિત્ર, ચલચિત્ર, નાટક કે પછી ધારાવાહી સ્વરૂપે પણ ક્યારેક પ્રગટ થતું જોવા મળે છે. જે કંઈ પણ ચીજ આપણી સંવેદનાને ઝંકૃત કરે, જીવન જીવવાનો સંદેશ અને સારા વિચાર આપે તેને આપણે સાહિત્ય તરીકે ગણી શકીએ. કંઈક આવી જ વાત છે તાજેતરમાં પ્રસારિત થઈ રહેલી ‘બાલિકા વધૂ’ ધારાવાહિકની. વર્તમાન અનેક બિનજરૂરી કાર્યક્રમો અને ઢંગ વગરના ધારાવાહિકો વચ્ચે આ શ્રેણી જુદી તરી આવે છે. નાનકડી આનંદીનો અભિનય તેમાં પ્રાણ પૂરે છે. પ્રસ્તુત છે આ શ્રેણીની રૂપરેખા અને આનંદી સાથે વાર્તાલાપ.]

થોડા સમય પહેલાં જ શરૂ થયેલી ‘કલર્સ’ ટીવી ચેનલ પર આવતી ‘બાલિકા વધૂ’એ મોટાભાગના પરિવારોને ઘેલું લગાડ્યું છે. સોમથી શુક્રવાર દરમિયાન સાંજે આઠ વાગે પ્રસારિત થતી ‘બાલિકા વધૂ’ શ્રેણીમાં બાળ વિવાહ જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાને રજૂ કરવામાં આવ્યો છે. ગાલમાં ખંજન, કાળી આંખો અને નિર્દોષ હાસ્યવાળી બાલિકા-વધૂએ લોકોને મુગ્ધ કરી નાખ્યા છે. ટિપિકલ હિન્દી શ્રેણીઓના નામ માત્રથી જ નાકનું ટેરવું ચડાવનાર પુરુષવર્ગ પણ આ શ્રેણીથી ખાસ્સો પ્રભાવિત બન્યો છે.

‘બાલિકા વધૂ’ની વાર્તા છે રાજસ્થાનના અંતરિયાળ ગામડામાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી આનંદી નામની બાળકીની. આનંદીને તેની ઉંમરના જ અન્ય બાળકોની માફક ફરવાનો-રમવાનો ભારે શોખ છે. ભણવામાં હોશિયાર આનંદીને સામાજિક પરંપરાના નામે શિક્ષણથી વંચિત રાખવામાં આવી છે. આવી જ એક પરંપરાના નામે આનંદીને માત્ર આઠ વર્ષની કુમળી વયે તેની જ ઉંમરના જગદીશ સાથે પરણાવી દેવામાં આવે છે. લગ્ન એટલે શું ? એ વાતથી તદ્દન અજાણ આનંદી નવા કપડાં, ઘરેણાં, રમકડાં મળવાની લાલચે સાસરે જાય છે. માતાપિતાનું એકનું એક સંતાન હોવાથી અત્યંત લાડકોડમાં ઉછરેલી આનંદીને અમીર સાસરામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વારંવાર અપમાનિત થવું પડે છે. આનંદીની સાસુ (સુષ્મા) તરફથી આનંદીને અપાર પ્રેમ મળે છે. તેના સસરા પણ આનંદીને પુત્રીની માફક પ્રેમ આપે છે, પરંતુ ઘરની મોભી અને આનંદીની વડસાસુ (દાદીસા) આનંદી સહિત ઘરની વહુઓને વારંવાર નીચા પાડવામાં, અપમાનિત કરવામાં ગૌરવ અનુભવે છે.


સામાજિક રીત-રિવાજોથી તદ્દન અજાણ આનંદી લગ્ન બાદ કરવામાં આવતી વિધિઓમાં વારંવાર ભૂલ કરે છે. પરિણામે દાદીસાને આનંદી તરફ શરૂઆતથી જ અણગમો ઉત્પન્ન થાય છે. એવામાં જ આનંદી પોતાની બાળવિધવા સહેલીને બંગડીઓ ભેટ આપવાની અને મિઠાઈ ખવડાવવાની નિર્દોષ ભૂલ કરી બેસે છે. પરિણામે ગુસ્સે થયેલા દાદીસા તેને કોટડીમાં પૂરી દે છે. ડરી ગયેલી આનંદી પોતાના પિયરમાં ભાગી જાય છે, પરંતુ સામાજિક બદનામીના ડરે આનંદીના માતાપિતા તેને પાછી સાસરે મૂકી આવે છે, જ્યાં તેનું બાળપણ, તેની જિંદગી જ બદલાઈ જાય છે.

એક સુંદર સામાજિક સંદેશો આપતી શ્રેણી ‘બાલિકા વધૂ’નું શક્તિશાળી પાસું રાજસ્થાની લોકસંગીત છે. લલિત સેન રચિત ‘કેસરિયા વાલમ’ અને શીર્ષક ગીત ‘છોટી સી ઉમર મેં…’ આજે લોકજીભે ચઢી ગયા છે. સમગ્ર શ્રેણીને રાજસ્થાની રંગે રંગવા માટે આર્ટ ડાયરેકશન, વેશભૂષા અને રાજસ્થાનની દેશી ભાષા પર પણ ખાસ્સું રિસર્ચ કરવામાં આવ્યું છે. આ શ્રેણીએ પ્રમાણમાં ઘણાં ઓછા એપિસોડ પૂર્ણ કર્યા છે, ત્યાં તો તેને મળી રહેલા પ્રચંડ પ્રતિસાદથી ટી.વી. ચેનલોમાં ધમાલ મચી ગઈ છે ! સપ્ટેમબર મહિનાના ટી.આર.પી પ્રમાણે ‘બાલિકા વધૂ’ અત્યાર સૌથી વધુ જોવાતી શ્રેણીઓને પાછળ પાડીને લોકપ્રિયતામાં બીજા નંબરનું સ્થાન મેળવી લીધું છે. તથા જે રીતે તેના દર્શકગણ વધતા જાય છે તે જોતાં આવનાર સમયમાં તે નંબર-1 બની જશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

‘બાલિકા વધૂ’ તમામ પાસાંઓથી એક સંદેશાત્મક ધારાવાહિક હોવા છતાં દસ્તાવેજી ફિલ્મ સમી બની રહેતી નથી, તે જ તેનું સૌથી શક્તિશાળી પાસું છે. સાથે સાથે આ ધારાવાહિકે સાસુ-વહુ અને ઢંગધડા વગરના રિયાલિટી-શૉના કુછંદે ચડેલા ભારતીય દર્શક વર્ગને એક સામાજિક જાગૃતિનો સંદેશો આપતી કલાત્મક ધારાવાહિક તરફ વાળ્યા, તે જ ‘બાલિકા વધૂ’ની સાચી સફળતા છે. બીબાંઢાળ સિરિયલથી સાવ અલગ આ સિરિયલમાં બાલિકા વધૂનું મુખ્ય પાત્ર ભજવનાર આનંદી (અવિકા ગૌર) લોકોના દિલોદિમાગ પર છવાઈ ગઈ છે. ‘બાલિકા વધૂ’ની આ બાળવધૂ અવિકા ગૌર કેટલીયે સિરિયલોમાં ચમકી છે પણ જો કે આ સ્વીટ બાળ કલાકારને અસલ પિછાણ તો ‘બાલિકા વધૂ’થી જ મળી છે. અવિકાએ ક્યારેય વિચાર્યું નહોતું કે બાલિકા વધૂ ઉર્ફે આનંદી એને આટલી લોકપ્રિય બનાવી દેશે. તો ચાલો, મળીએ આ મીઠડીને….

# સૌથી પહેલાં તારું પારિવારીક વર્તુળ જણાવ.
>> હું મુલુંડમાં રહું છું. ઘરે મમ્મી-પપ્પા અને હું ત્રણ જણ છીએ. મમ્મી પપ્પા બેઉ વીમા સલાહકાર છે. મુલુંડની રોશન સ્કૂલમાં હું છઠ્ઠા ધોરણમાં ભણું છું.

# પહેલીવાર એક્ટિંગ ક્યારે કરેલી ?
>> સ્કૂલની ઈતરેતર પ્રવૃત્તિઓમાં હું પહેલેથી ભાગ લેતી રહી છું. છ એક વર્ષથી વેસ્ટર્ન મ્યુઝિકની ટ્રેનિંગ પણ ચાલે છે. મને ડાન્સનો બેહદ શોખ છે. એની ટ્રેનિંગ ‘કેસબર ડાન્સ એકેડમી’માં લીધી છે. ડાન્સના મેં 100-150 શૉ કર્યા છે. સ્કૂલમાં જો કે મેં એકટિંગ નહોતી કરી. મારે તો ડાન્સર જ બનવું હતું.

# તો એક્ટિંગમાં કેવી રીતે આવી ગઈ ?
>> મારા ડાન્સના-શૉઝ જોઈને પપ્પાને લાગ્યું કે હું એક્ટિંગ પણ કરી શકું છું. પછી કોઈએ જણાવ્યું કે રાજકુમાર આર્યન માટે ચાઈલ્ડ આર્ટિસ્ટનું ઓડિશન થઈ રહ્યું છે. પપ્પા મને લઈ ગયા. ઓડિશન પછી હું પસંદ થઈ ગઈ. પછી તો એક પછી એક સિરિયલ્સ મળવા માંડી.

# બાળલગ્ન વિશે તું કશુંય જાણે છે ?
>> પહેલા નહોતી જાણતી. આ સિરિયલમાં કામ કર્યા પછી થોડી થોડી ખબર પડવા માંડી છે.

# બાળલગ્ન સારાં ગણાય કે ખરાબ ?
>> બહુ ખરાબ ! એને લીધે બધું બગડી-છૂટી જાય છે. બીજું તો શું કહું ? હું તો હજુ ખૂબ નાની છું ને ?

# અચ્છા, તને જમવામાં શું શું ભાવે ?
>> મને તો છે ને બટાકાની બધી વાનગીઓ બહુ જ ભાવે. શાકભાજી અને કચુંબર તો હું બહુ જ ખાઉં. દૂધ તો પીવું જ પડે ! એટલે આમ તો બધું જ ભાવે.

$# સેટ પર કોની સાથે વધુ ફાવે છે તને ?
>> બધાની સાથે. હું તો સૌની લાડકી છું. ચોકલેટ અને આઈસ્ક્રીમ મને મળ્યા જ કરે છે. સેટ પર અમે બહુ ધમાલ કરીએ છીએ.

# આટલો નેચરલ અભિનય કેવી રીતે કરી શકે છે ?
>> (વિચારીને) પપ્પા શીખવે છે, મમ્મી શીખવે છે. હું તો ડિરેક્ટર અંકલ પાસેય શીખી લઉં છું.

# બુઢ્ઢી સાસુ બનેલી સુરેખા સીકરી સિરિયલમાં તને ખૂબ પરેશાન કરે છે, નહીં ?
>> (હસીને) હા, પણ રિયલ લાઈફમાં એ એવાં નથી. એમનો સ્વભાવ ખૂબ સારો છે. મને બેહદ પ્રેમ કરે છે.

# સેટ પર ક્યારેય કોઈ યાદગાર વાત થઈ ?
>> હા, અમે લોકો રાજસ્થાનના ખેજડલા ગામમાં શૂટ કરતા હતા. એક હૉટલમાં ઉતર્યા હતા. ત્યાં સ્વિમીંગ પુલ પણ હતો. મને સ્વિમીંગ નહોતું આવડતું. તેથી મોઢું વકાસી ચૂપચાપ ઊભી રહેતી. પછી ખબર છે શું થયું ? મને આર્ટીસ્ટો અને ડિરેક્ટરે મળીને સ્વિમીંગ શીખવી દીધું. એકદમ ફાસ્ટ ફાસ્ટ ! ખાલી બે દિવસમાં !

# શૂટિંગ વચ્ચે ભણવાનું તું કઈ રીતે સંભાળી શકે છે ?
>> સિરિયલની આનંદીની જેમ મનેય ભણવું ખૂબ ગમે છે. સ્કૂલે ન જઈ શકું એ દિવસની સ્ટડીઝ ફ્રેન્ડઝની હેલ્પથી કરી લઉં છું. સેટ પર પણ બુક્સ લઈ જાઉં છું. શૉટ ન હોય ત્યારે ભણું. એક્ટિંગ તો મારી હોબી છે અને શિક્ષણ બહુ જરૂરી છે. એટલે ભણવાનું હું ક્યારેય નહીં છોડું.

# સ્કૂલમાં તું ફેમસ થઈ ગઈ હોઈશ, નહીં ?
>> હા. (હસીને) ઘણી ! જો કે કેટલાક ફ્રેન્ડઝ મને આનંદી કહીને ચીડવે છે. જો કે મને તો સારું જ લાગે છે.