[ભારતના ભાગલાના વર્ષો અગાઉ હાલના પાકિસ્તાનમાં આવેલા કરાચીમાં, ભારતમાં અને એક વર્ષ માટે અમેરિકામાં આવેલી માધ્યમિક શાળામાં શ્રી દુષ્યન્ત પંડ્યાએ શિક્ષણકાર્ય કર્યું છે. મુગ્ધવયનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના એ શિક્ષણ સહાયક અને મિત્ર સમા માર્ગદર્શક રહ્યા છે. વિશ્વવિખ્યાત બાળકેળવણીકાર માદામ મોન્તેસોરીના સહાયક બનવાનું અમૂલ્ય સદભાગ્ય તેમને સાંપડ્યું હતું. અને વધારામાં તેમણે ઉચ્ચશિક્ષણને ક્ષેત્રે પણ અધ્યાપન કર્યું છે. બાલમંદિરથી અનુસ્નાતક શિક્ષણ સુધીનાં બધાં સોપાનો ચડવાનું તેમને સાંપડ્યું હતું. આ પુસ્તક દ્વારા પોતાની એ અનન્ય અનુભવસ્મૃતિમાં સહભાગી થવા તેઓ સૌને નિમંત્રે છે. તેમના આ પુસ્તકનું નામ છે : ‘ઘેડિયા ના ભૂંસાતા’ (જેનો અર્થ એવો છે કે બાળકો સ્લેટ-પેણ વડે લખે ત્યારે જો પેણમાં કાંકરી આવી જાય તો સ્લેટ પર લીટો પડી જાય છે, જેને ‘ઘેડિયો’ કહે છે. ભીનું પોતું મારવા છતાં એ કદી ભુંસાતો નથી.) રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગુર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
‘તમે આજે આવ્યા છો ?’
‘હા જી. મારી સ્ટીમર ગઈ કાલે સવારે આવી. મને થયું કે નવરા બેસવાને બદલે હું સ્કૂલે જઉં, આપને અને બીજા શિક્ષકમિત્રોને મળું, શાળાથી પરિચિત થઉં, અને કંઈ કામ સોંપો તો તે પણ કરું.’
‘તમે આજે કામ પણ કરશો ?’ તમારી નિમણૂક તો પહેલી એપ્રિલથી અમલમાં આવે છે. તમે કામ ભલે કરો, પણ તમને એનો પગાર નહીં મળે.’
આ સંવાદ કરાંચીની એક શાળાના આચાર્યની અને મારી વચ્ચે ચાલી રહ્યો હતો. કોઈ એકૅડેમીને નામે ઓળખાતી એ શાળાના નામથી આકર્ષાઈ મેં 1938ના ડિસેમ્બરમાં અરજી કરી હતી. ટપાલમાં નંખાયેલી અનેક અરજીઓની જેમ, એ અરજી ટપાલના ડબ્બામાં નાખ્યા પછી મેં કોઈ આંબા-આંબલી બાંધ્યાં ન હતાં. એટલે, 1939ના ફેબ્રુઆરીમાં નિમણૂકનો આદેશ આવતાં હું હરખાઈ ગયો હતો. હરખાવાનાં કારણ એક કરતાં વધારે હતાં. સિંધુ સંસ્કૃતિના અવશેષો જોવા મળશે, ગંગામાં અને ગોદાવરીમાં પણ ખોળિયાને બોળ્યું હતું, હવે એને સિંધુસ્નાનનો લાભ મળશે, સંસ્કૃત અને ગુજરાતીના પ્રકાંડ પંડિત ડોલરરાય માંકડને મળવાની તક સાંપડશે, અને ‘ઊર્મિ’ માસિકના આદ્ય સંપાદક અને પ્રખ્યાત ઊર્મિકાવ્યોના કવિ ઈન્દુલાલ ગાંધીને પણ જોવા મળવાનું બનશે. વળી, આ એકૅડેમી નામધારીશાળા કેવી તો વિશાળ હશે ! એ પ્રાચીન ગ્રીક એકૅડેમી જેવી હશે ? રવીન્દ્રનાથના શાંતિનિકેતન જેવી હશે ? નાનાભાઈના દક્ષિણામૂર્તિ જેવી હશે ? કલ્પનાનાં વાદળો આમ ચિદાકાશમાં ઊઠતાં અને વેરાઈ જતાં હતાં.
જામનગરથી એક નાની સ્ટીમર 26મી માર્ચે કરાંચી જતી હતી. ગાડી બદલવાનો, બે-ત્રણ જંકશનોએ કલાકો પડ્યા રહેવાનો અને ભીડનો ત્રાસ નહીં અને દરિયાઈ સફરનો લાભ પણ મળે એ હોંશે મેં એ સ્ટીમરની ટિકિટ લીધી હતી. રેલગાડીના ત્રીજા વર્ગની ટિકિટ સત્તર રૂપિયા હતી તો સ્ટીમરમાં ડેકની હતી સાત રૂપિયા ! અને સ્ટીમરમાં દાખલ થયા પછી જાણવા મળ્યું કે એના કપ્તાન મારા મોટાભાઈના નિકટના ઓળખીતા હતા એટલે એ ઓળખાણનો લાભ આપી કપ્તાને મને કેબિનમાં જગ્યા આપી ! દરિયામાં તોફાન થતાં સ્ટીમર માંડવી બંદરે ઊભી ન રહી, અને અમને ચાર કલાક વહેલા કરાંચી લઈ ગઈ. તોફાન દરિયામાં શાંત થઈ ગયું હતું પણ અમારા મનમાં હજી લોઢ ઊછળતા હતા. જોરદાર સુસવાટા મારતો વાયરો ફૂંકાતો હતો અને સ્ટીમરની માફક અમારા દેહ દોલાયમાન હતા. પૂરા ચોવીસ કલાક આરામ કર્યો ત્યારે જરાક ઠામાં આવ્યો. હું ઊતર્યો હતો મારા મુરબ્બી કંચનભાઈ પંડ્યાને ઘેર. એ ત્યાંની એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રોફેસર હતા. એમની ઘરની બરાબર નીચે જ, ડી.જે.સિંધ કૉલેજના સંસ્કૃત-ગુજરાતીના અધ્યાપક ડોલરરાય માંકડ રહેતા હતા. અકસ્માત સાંપડેલું આ ભૌતિક નૈકટ્ય જીવનભરના સ્નેહસંબંધમાં પરિણમવાનું છે અને મને અનેક રીતે લાભદાયી થવાનું છે એ ખ્યાલ ત્યારે ક્યાંથી આવે ?
તા.28મીની સવારે સ્વસ્થ થયા પછી વિચાર આવ્યો કે અહીં ત્રણ-ચાર દિવસની હવા ખાવી તેના કરતાં પેલી એકૅડેમીએ શા માટે ન જવું ? સ્થળ જોવાય, થનાર સાથીઓનો પરિચય થાય અને અંગ્રેજી-ફ્રેન્ચના શિક્ષક તરીકેના મારા નિમણૂક-આદેશ અનુસાર, કઈ શ્રેણીઓમાં મારે એ વિષયો શીખવવાના છે તે જાણી, તેને લગતાં પાઠ્યપુસ્તકો મેળવી તેની તૈયારી પણ કરાય. એ કાળે શાળાનું શૈક્ષણિક વર્ષ એપ્રિલની પહેલી તારીખથી આરંભાતું. માર્ચના આખરના દિવસો પરીક્ષાઓનાં પરિણામો તૈયાર કરવાના દિવસો. ગુજરાતનગરની બસમાં બેસી, હું શાળાએ જવા નીકળ્યો. મને ચીંધ્યા પ્રમાણે, મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ઊતરી, રસ્તો ઓળંગી, હું જમણી તરફને રસ્તે ચાલવા લાગ્યો. બજાર, ભરચક્ક બજાર, ઘોંઘાટ પાર વગરનો. થોડું ચાલ્યા પછી પેલી એકૅડેમીનું મકાન આવ્યું. ભોંયતળિયે દુકાનો અને વખારો. હું જે રસ્તેથી આવ્યો હતો તે રસ્તે અનાજની અને બીજી દુકાનો હતી, તો મને પછીથી જાણવા મળ્યું કે એ એકૅડેમીની પેલી બાજુએ દેહ વેચનારીઓનાં હાટડાં હતા. આવી બે બજારસરિતાઓને સંગમસ્થાને એ એકૅડેમી વિરાજમાન હતી. નજીકમાં નજીકનું વૃક્ષ કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં, ઓછામાં ઓછું સો મીટરને અંતરે હતું. અહીં રવીન્દ્રનાથને ક્યાંથી સ્થાન હોય ? અને દાદરો ચઢતાં જોયું કે એકૅડેમીના પાછળના ભાગમાં રવિને પણ સ્થાન ન હતું. ઓરડાઓ અંધારા હતા અને દરિયો પાસે હોઈ ભેજ હતો.
ગૂંગળામણ અનુભવતો હું, પૂછતાછ કર્યા પછી, આચાર્યની ઑફિસમાં પહોંચ્યો, અને મેં મારો નિમણૂકપત્ર બતાવ્યો, તો મારા ‘સ્વાગત’માં આચાર્યે ‘આજે’ શબ્દ પર જે ભાર મૂક્યો તેમાં અચંબા કરતાં અણગમો કદાચ વધારે ડોકાતો હતો. મારા ઉત્તરના પ્રત્યુત્તરમાં એમણે ‘કામ’ શબ્દ પર જે ભાર દીધો હતો તેમાં પણ એવો જ ભાવ વરતાતો હતો. આચાર્ય હતા ઉત્તરપ્રદેશના ઉર્દૂભાષી મુસલમાન જનાબ અને એ એકૅડેમી હતી મુસલમાનોની એક ચોક્કસ કોમના વિદ્યાર્થીઓ માટેની જ. મારા મનના આકાશમાં પ્લેટો અને રવીન્દ્રનાથ, ગૂજરાત વિદ્યાપીઠના આચાર્ય કૃપાલાણી અને આચાર્ય કાલેલકર, દક્ષિણામૂર્તિની નાનાભાઈ-ગિજુભાઈ-હરભાઈની ત્રિપુટી, બધા આથમી ગયા. જયલલિતાની જેમ ‘રાહુકાલમ’માં નીકળ્યો હોઈશ, એટલે એક પછી એક આઘાત લાગતા હતા.
મારામાં પણ એટલી સમજ હતી કે પગાર તો નિમણૂકની તારીખથી જ મળે. એટલે આચાર્યે તે દહાડાના કામનો પગાર ન મળવાની વાત કરી તેના જવાબમાં મેં કહ્યું કે ‘આજે હું આવ્યો છું તે પગારની આશાથી નહીં જ. અહીં કરાંચી આવી ગયો, તો નકામા ઘેર બેસી રહેવાને બદલે શાળાને કોઈ પણ રીતે ઉપયોગી થઈ શકાય તો થવું, કેવળ તે જ ઈચ્છાથી આવ્યો છું. આપ જે કામ ચીંધશો તે સંતોષકારક રીતે કરવાની કોશિશ હું કરીશ.’ મને કરતાં, કદાચ, વધારે કમને, એમણે મને કામ સોંપવાની વ્યવસ્થા કરવા માટે વાઈસપ્રિન્સિપલને બોલાવ્યા. બંનેએ ઉર્દૂ જબાનમાં વાત કરી અને તે પછી, વાઈસપ્રિન્સિપલ મને પ્રિન્સિપલની ઑફિસની બહાર લઈ ગયા. કોઈની પાસેથી મફત કામ નહીં કરાવવું એમ પણ એ પ્રિન્સિપલસાહેબ કદાચ માનતા હોય. વાઈસપ્રિન્સિપલ મને કોઈ હૈદરઅલી પાસે લઈ ગયા, અને એમના કામમાં મારી સહાય લેવા તેમને કહ્યું. ઉર્દૂમાં જ. મને થયું, મારે અલિફ-બે-પે-તે તરત શીખી લેવું પડશે. પણ મારી એ ધારણા સાચી ન નીવડી. એ હૈદરઅલીએ મારી સાથે ગુજરાતીમાં વાત કરી. પોતાના વર્ગના વિદ્યાર્થીઓનાં પરિણામો એ તૈયાર કરી રહ્યા હતા.
‘આ ટૈયાર કરવામાં મને મડડ કરસો ?’ મને એમણે કહ્યું. મદદ કરવા મેં તૈયારી બતાવી. મને ત્યાં જ ઊભો રાખી એ બધો સરસામાન લઈ આવ્યા. પછી મને એક વર્ગમાં લઈ ગયા. બારીઓ વગરના એ ખંડમાં ધોળે દિવસે પણ બત્તી કર્યા વિના ચાલે એમ ન હતું. એક બાંકડે એ બેઠા ને બાજુને બાંકડે હું બેઠો. પછી મારા હાથમાં એમણે કાગળોનું એક બંડલ આપ્યું અને મને કહ્યું : ‘આ બઢાં માર્કસીટ છે. ટમે એક પછી એક નામ અને એની સામેના માર્ક બોલટા જાઓ. હું રિઝલ્ટસીટમાં લખટો જઈશ.’ પોતાની પાસેનું પરિણામપત્ર ખોલી એ ગોઠવાયા. મને કહે : ‘પે’લાં ઈંગ્લિસના માર્ક બોલો !’
મારી પાસેનાં ગુણપત્રકોમાંથી મેં અંગ્રેજીનું ગુણપત્રક કાઢ્યું. મેં નામ અને તેની સામેના ગુણ બોલવાની શરૂઆત કરી : ‘તૈયબ-43, હારુન-37, સૈફુદ્દીન-61, યાકૂબ-49, અબ્દુલ-0….’
‘યા’લ્લા. નૈં નૈં, એના પાંટ્રીસ કરવાના છે.’ અર્ધા ઊભા થઈ એ બોલ્યા.
‘આમાં 0 છે. હું તો જે હોય તે જ બોલું ને.’ મેં કહ્યું.
‘મેં ટમને ક્યાં કાંઈ કઉં છું. ટમે નવા છો. ટમે નૈં ઓલખટા. આય અબ્ડુલને પાસ જ કરવાનો છે. ફુલ્લી પાસ. એના માર્ક પાંટ્રીસ જ લખવા પડસે.’ હૈદરઅલીસાહેબ બોલ્યા.
મારે માટે આ આઘાતનો – હૈદરઅલીની જેમ કહું તો, ‘આઘાટ’નો દહાડો હતો. શાળામાં પગ મૂકતાવેંત પ્રિન્સિપલના સ્વાગતમાં આઘાત હતો. આ 0ના 35 કરવાનું કહી હૈદરઅલીએ બીજો આઘાત આપ્યો હતો. પહેલા આઘાતથીયે પ્રચંડ. શિક્ષણનાં મૂલ્યો, પરીક્ષાની પ્રામાણિકતા અને પક્ષપાતરહિતતા, ધોરણની જાળવણી વગેરે બાબતોને એક ઝાટકે હૈદરઅલીએ નકામા બોજાની જેમ દરિયામાં નાખી દીધી. એ બધાં મૂલ્યો શું સિંધુ પાર કરવા જતી સુહિણીના કાચા ઘડા જેવાં હતાં ? હું જે હાઈસ્કૂલમાં ભણ્યો હતો તેના આચાર્યનો સગો દીકરો એક જ શ્રેણીમાં બે વાર નિષ્ફળ થયો હતો. આચાર્યપુત્ર છે માટે પાંચ ગુણ વધારે આપવાનો વિચાર કોઈ શિક્ષકને આવ્યો ન હતો. તેમ એ શિક્ષકોએ આપેલા ગુણમાં ફેરફાર કરી પોતાના પુત્રને આગળ ધકેલવાનો વિચાર એ આચાર્યને પણ આવ્યો ન હતો. પોતાના સગા દીકરાની બાબત પણ આટલા તટસ્થ રહેતા એ આચાર્ય ક્યાં, ને 0માંથી અબ્દુલના પરબારા 35 ગુણ મૂકનાર આ હૈદરઅલી ક્યાં ? કે એ સિંધની ભૂમિનો પ્રતાપ ? એ ભૂમિના પ્રતાપ વિશે એવી આખ્યાયિકા પ્રચલિત હતી કે અંધ માતાપિતાને કાવડમાં બેસાડી અડસઠ તીરથની યાત્રા કરાવનાર શ્રવણે પણ, એ ભૂમિ પર પગ મૂકતાંવેંત માતાપિતાને કહી દીધું હતું : ‘હવે ઊતરીને મંડો ચાલવા તમે. તમારો ભાર વેંઢારી હું થાકી ગયો છું.’ શ્રવણનાં માતાપિતાએ પુત્રને આજીજી કરી કહ્યું : ‘દીકરા, કાવડ આમ પાંચ ડગલાં પાછળ લે એટલે અમે ઊતરી જઈશું.’ આ તમસભરી અકૅડેમીમાં મને એ તક પણ ન હતી.
વતરણાથી પાટીમાં લખતા હોઈએ ત્યારે એ વતરણામાં ઝીણી કાંકરી ઘૂસી ગઈ હોય, અને પાટીના સંપર્કમાં વતરણાનો એ ભાગ આવે, અને હૃદયમાં કંપારી ઊઠે એવા તીક્ષ્ણ રવ સાથે પાટીમાં જે ઘેડિયો પડે, તે પાટી ફૂટે ત્યાં સુધી ત્યાં જ અંકિત રહે. પોતાના થૂંકથી પાટી ભૂંસતા છોકરાઓ એ ઘેડિયાને થૂંકથી કે કપડાના નાના ભીના ટુકડાથી નવરાવ્યા જ કરે. છોકરાનો હાથ ઘસી ઘસીને દુ:ખી જાય. એ ઘેડિયો જાય નહીં. સુઘડ બાળકો પાણીનું પોતું ફેરવ્યા કરે. એ ઘેડિયો વિધાતાના લેખની માફક ત્યાં જ રહે. હૈદરઅલીએ લગાડેલો એ આઘાત હજી નથી શમ્યો. ઘેડિયો ભૂંસાયો નથી.
શિક્ષકજીવનનો એ મારો પહેલો દિવસ હતો.
Wednesday, April 14, 2010
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment