એ બારી હંમેશા બંધ રહેતી. નાનપણથી જ હું જોતો આવ્યો છું કે એ બારી હંમેશા બંધ હોય છે. ‘શું હશે એ બારીની બીજી તરફ ?’ બાળસહજ મારા મનમાં એ પ્રશ્ન જરૂર થતો. પણ એ બારી ક્યારેય ન ખુલતી. ક્યારેક કોઈને કહેતા સાંભળ્યા હતા કે બારીની પેલી તરફ કંઈક ભયાનક છે. પણ કોઈ સરખો જવાબ ન દેતા. એક દિવસ તો ઠપકો પણ મળ્યો કે :
‘ખબરદાર, બારી વિષે એક વાત પણ વિચારી છે તો ! આપણાં પૂર્વજોનાં જમાનાથી કોઈએ આ બારી ખોલી જ નથી.’
કોઈએ બંધ બારી ન ખોલી હોય તો શું થયું ? શું મારે પણ બારી ન ખોલવી ?! ફક્ત કોઈ કાલ્પનિક ભયથી પીડાઈને આ બારી બંધ જ રાખવી !! પણ મારો બળવાખોર સ્વભાવ બધા ઓળખી ગયા હતા. માટે બારી વિષેની ડરામણી વાતોથી માંડીને મારી ઉપર વર્તાતી કડકાઈમાં વધારો થતો ચાલ્યો. માનવનો સ્વભાવ એવો હોય છે કે જે વસ્તુની ‘ના’ પાડો એ વસ્તુ વારંવાર કરવાનું મન થાય. મને પણ બારી ખોલવાનું મન થતું. વધુ ને વધુ પ્રબળતાથી બારી ખોલવાનું મન થતું.
અને…
એક દિવસ….
ઘરે કોઈ નહોતું. મને કોઈ એકલા ન છોડતા, પણ આજે અનાયાસે ઘરે કોઈ નહોતું. ધીમે ધીમે મેં ડગલા બારી તરફ માંડ્યા. ચોર નજરે આજુબાજુ જોઈ લીધું કે કોઈ આવતું તો નથી ને ! દરેક ડગલે મનમાં રોમાંચ વધતો જતો હતો. ક્ષણેક અટક્યો. વિચાર પણ આવી ગયો કે કંઈક અજુગતું બન્યું તો ? ખરેખર કંઈક ‘ભયાનક’ હશે તો ? પણ એ વિચાર ખંખરી ફરી આગળ વધવા લાગ્યો. દરેક ડગલે વધતા હૃદયનાં ધબકારા, વધતો રોમાંચ… અને ક્યારે મેં બારી ખોલી નાખી એ યાદ ન રહ્યું…..
પણ….
….બારીની બીજી બાજુ તો હતું એક પ્રેમ ભર્યું આકાશ… લહેરાતા વૃક્ષો… કુદરતનું અનુપમ સૌંદર્ય, મ્હોરતા ફુલો, ચહેકતા પક્ષીઓ… ઘણું ઘણું… અને સાથે… અદ્દભુત આનંદ, નિતાંત શાંતિ.. મનનો રહ્યો સહ્યો ભય પણ ચાલ્યો ગયો… અને હું બોલી ઊઠ્યો : ‘આ તો મારા જ મનની બારી છે…’ કુદરત અને મારી વચ્ચે મારા મનની આ બંધ બારીનો જ પડદો હતો. કૃત્રિમતાનાં ઘરમાં એક બારી તો કુદરત તરફની હોય જ છે. બસ, જરૂર હોય છે એ બારીને ખોલવાની અને આપણી ભીતર કુદરતને આવકારવાની…
તમે એ બારી ખોલી કે નહીં ?! કુદરત છે તમારી પ્રતિક્ષામાં….
Saturday, October 3, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment