છેલ્લાં પાંચ-છ વરસથી હું એને જોતો આવું છું. અરે, હું તો શું, અમારા ગામનાં તમામ લોકો એને જોતાં. અને કેટલાંક ટીખળી યુવાનો તો થોડો આનંદેય લૂંટી લેતાં. ગંદાગોબરા ચહેરા પર ગાંડાબાવળની જેમ ઊગી નીકળેલાં દાઢી-મૂછ, માથાપર જટાજૂટ વાળની જંજાળ, કાળાપીળાં પડી ગયેલાં દાંત, મેલાઘેલા લીરેલીરાં ઉડેલાં કપડાં, ખભે એક ગંદો થેલો. કોણ જાણે તેમાં શુંયે ભર્યું હશે ? એક હાથમાં કાયમ એક કાનતૂટેલો કપ અને બીજા હાથમાં એક સોટી. જ્યાંથી પસાર થાય, ત્યાંના બાળકોનું નાનું શું ટોળું તેની પાછળ જ હોય. ક્યારેક વળી ખીજવાયા જેવું કરીને પાછો વળે, આંખોના ડોળા મોટા કરીને બાળકો તરફ સોટી ઉગામે…! ક્યારેક વળી પાછળેય દોડે. જો કે તેણે ક્યારેય કોઈ બાળકને માર્યું હોય તેવો કિસ્સો આજદિન સુધી સાંભળવામાં આવ્યો ન હતો.
ક્યાંનો હતો ? ક્યાંથી આવ્યો ? કઈ રીતે અહીં આવ્યો ? અને ખાસ તો તેની ઓળખ કે નામેય કોઈ જાણતું નો’તું. બસ, અહીં આવ્યો અને વસી ગયો. જો કે, કેટલાક લાગણીશીલ લોકોએ ‘ફોઈબાગીરી’ નિભાવીને ‘ગાંડો’ નામ આપી દીધું હતું. ‘એય….ગાંડા…’ કરીને બૂમ પાડો તો તરત જ તમારી તરફ જુએ.’ કદાચ એણેય એ નામ પ્રેમપૂર્વક અપનાવી લીધું હતું. ગામલોકો કંઈક ખાવાનું આપે તો ‘જમતારામ’ નહીંતર પછી ‘રમતાંરામ’ ! ક્યારેય કોઈની પાસે કોઈ માંગણી નહીં. કોઈની સામે કોઈ ફરિયાદ નહીં.
આજે પિતાજીનું શ્રાદ્ધ હોવાથી હું ઘરે જ હતો. કાગવાસની વિધિ, બપોરનું જમણ વગેરે પતાવીને હું મેડીએ આડેપડખે થયેલો, ત્યાં જ બહાર શોરબકોર સાંભળીને બારી બહાર નજર કરી. જોયું તો ગાંડો અમારા ઘરનાં દરવાજે જ બેઠેલો અને પાંચ-છ ટાબરીયાંઓ ‘એ ગાંડા…. એ ગાંડા…’ કહીને દેકારો મચાવતાં હતાં. નીચે ઊતરીને હું બહાર ગયો. છોકરાંઓને નસાડી મૂક્યાં અને ગાંડાને થોભવાનો ઈશારો કરીને ઘરમાં ગયો. પત્ની પાસેથી થાળી પીરસાવીને ગાંડા સામે મૂકી. ત્રણચાર દિવસનો ભૂખ્યો હોય તેમ ગાંડો થાળી પર તૂટી પડ્યો. દાળ, ભાત, પૂરીશાક, ભજિયા…. બધુ જ સફાચટ. પણ ખીરની વાડકીને તે અડ્યોય નહીં. બલ્કે તેણે તે ખીર પોતાનાં કપમાં ભરી લીધી. ખીર ખાઈ જવા મેં તેને ઘણું કહ્યું. બીજી ખીર આપવા પણ કહ્યું, પણ તે એકનો બે ન થયો. આખરે મેં જ જીદ પડતી મૂકી. તેને પાણી પાયું અને ખીર ભરેલો કપ હથેળીની ઓટમાં સંતાડીને તે ત્યાંથી જવા માંડ્યો. પણ જતાં જતાં તે મારું માનવસ્વભાવગત કુતૂહલ સ્વાભાવિક જ વધારતો ગયો. ‘ખીરનું તે શું કરશે ?’ની ચણભણે મને તેની પાછળ જવા મજબૂર કર્યો. પાછળ પડેલા બાળકો કે પછી બીજા કોઈનીય પરવા કર્યા વગર તે સડસડાટ શેરી બહાર અને પછી ગામ બહાર નીકળી ગયો. સીમમાં વડનાં ઝાડ નીચે એક ચોતરો બનાવેલો. ત્યાં પહોંચીને તેણે કપ ચોતરે મૂક્યો. ત્યાંથી તે થોડે દૂર ખસ્યો. આસપાસ જોયું અને આશ્ચર્ય ! આટલા વરસોમાં કોઈએ એને બોલતો સાંભળ્યો ન હતો. તે ગાંડાના મુખેથી શબ્દો નીકળ્યાં : ‘કાગવાસ’
દૂરથી તેની આ તમામ ક્રિયાઓ જોઈને મારું આશ્ચર્ય અને તેનાં વિશે જાણવાની તાલાવેલી ચરમસીમાએ પહોંચી. થોડીવારે ત્યાં બે કાગડા આવ્યા. આમ તેમ જોતાં, ડોલતાં ડોલતાં કપ પાસે ગયાં અને કપને અડ્યા વગર ઊડી ગયાં. આ દ્રશ્ય જોઈને ગાંડાની આંખમાંથી બે આંસુની બુંદો ટપકીને જમીનની માટીમાં વિલીન થઈ ગઈ. શું તે ખરેખર ગાંડો હતો ? નો’તો જ વળી. છાના પગલે હું તેની પાછળ ગયો. એના ખભે હાથ મૂક્યો. અચાનક થયેલા સ્પર્શથી તે ચમક્યો. પાછા વળીને મારી સામે જોયું. મને જોતાં જ તે ગાંડાપણાની ચેષ્ટાઓ કરવા લાગ્યો.
‘દોસ્ત હું જાણી ચૂક્યો છું કે તું પાગલ તો નથી જ. તો પછી આ બધું કેમ ?’ મેં કહ્યું. થોડીવાર તે શૂન્યમનસ્ક ભાવે મારી સામે તાકી રહ્યો. એકાએક તેની આંખોમાંથી અશ્રુધારા ફૂટી નીકળી. ધીમેધીમે ઘૂંટણો વાળીને તે ચોતરા પાસે જ બેસી પડ્યો. ચોતરે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મારો હાથ અજાણતાં જ તેની પીઠ પસવારી રહ્યો હતો. થોડી વાર પછી તેનાં ડૂસકાં અને રૂદન ઓછાં થયાં. મેં તેને ઊભો કરીને ચોતરા પર બેસાડ્યો. હું પણ તેની નજીક જ બેઠો. ‘હવે બોલ, શું છે તારી કહાણી….’
‘મારું નામ રોહિત..’ તેણે બોલવાનું શરૂ કર્યું. જાણે ટાઈમમશીન વડે તે ભૂતકાળમાં ધકેલાયો. આંખો એની જાણે કોઈ જૂના જમાનાની ફિલ્મ જોઈ રહી હતી. ‘રોહિત જટાશંકર દવે… ઉચ્ચ ગણાતી બ્રાહ્મણ જાતિમાં જન્મ. અહીંથી ઘણે દૂર એક ગામમાં અમે રહેતાં. પિતાજી પ્રખર વિદ્વાન કર્મકાંડી. આજુબાજુનાં ચાલીસ ગામોમાં એમના ગોરપદાંની હાંક વાગે. પૈસેટકે અમે ખૂબ જ સુખી. ગામમાં હવેલી જેવું ત્રણમાળનું ઘર અને સીમમાં ‘પૈસા વાવો તોય ઊગી નીકળે’ એવી ફળદ્રુપ અને રસાળ એંસી વિંઘાની જમીન. ગામનાં ગણ્યા-ગાંઠ્યાં ધનિકોમાં અમારી ગણના થતી. પિતાજી તો જાણે સાક્ષાત દુર્વાસા અને મારી બા એટલે જાણે સાક્ષાત સરસ્વતિ અને અન્નપૂર્ણાનું મિશ્રણ. ઘરે આવેલો અજાણ્યો અતિથિયે જો ભૂખ્યો પાછો ન જતો હોય તો હું તો એમનો એકનો એક પુત્ર હતો. પછી શેની મણાં હોય ? બસ, પિતાજીની ફક્ત એક જ ઈચ્છા કે, હું ય તેમની જેમ શાસ્ત્રોમાં પારંગત થઈને, અમારા વંશપરંપરાગત ધંધામાં પલોટાઈને પાંડિત્યનું પીંજણ કરું. પણ હું આ બધા મામલામાં પહેલેથી જ બિનરસાળ. હું બીજાનાં સંતાનોની જેમ ‘વંઠેલ’ તો જો કે નહોતો, પણ પિતાજીની આજ્ઞા માનીને તેમની ‘હા’માં ‘હા’ ભેળવું, તેવોય નહોતો. મારે ‘વિજ્ઞાન’ લઈને વૈજ્ઞાનિક થવું હતું. મારી સાથેનો તેમનો મતભેદ કદાચ અહીંથી શરૂ થયો. આમેય, પુરાણો અને વિજ્ઞાન બંને એકીપાટલે તો કઈ રીતે બેસી શકે ? સાપ કરડ્યો હોય કે પછી વાઈહિસ્ટીરિયાનો હુમલો થાય ત્યારે ભુવા-જાગરીયાને બોલાવવા, કોઈ મોટી મહામારી સામે લઢવા નવગ્રહો કે પછી દેવીદેવતાનાં આહ્વાન માટે પૂજાવિધિ સજેસ્ટ કરતાં માતાપિતા ‘વિજ્ઞાન’ ક્યાંથી પચાવી શકે ? આમેય પુરાણો હંમેશા વિજ્ઞાનનો અને વિજ્ઞાન હંમેશા પુરાણોનો છેદ ઉડાડતાં જ રહ્યાં છે ને…!
છતાંય, તેમની ઉપરવટ જઈને, બારમામાં વિજ્ઞાનમાં ઉચ્ચ ટકાવારી મેળવીને, પિતાજીએ સૂચવેલ ‘સંસ્કૃત મહાવિદ્યાલય’માં પ્રવેશ ન લેતાં, ધરાર નજીકનાં શહેરની ‘સાયન્સ કૉલેજ’માં પ્રવેશ મેળવ્યો. પિતાજીનો રોષ પુત્રપ્રેમને લીધે હોય કે પછી બાની સમજાવટથી, ધીરેધીરે ઓગળી ગયો. સારા ટકે સ્નાતક અને ત્યારબાદ અનુસ્નાતક થયો. શહેરમાં જ એક સારી કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે જોડાઈ ગયો. ત્યાં ઉંદર, દેડકાં, મરઘાં-બતકાં પર પ્રયોગ કરતાં કરતાં મારું બ્રાહ્મણત્વ જાણે કે નેવે મુકાઈ ગયું હતું. સાયકલ પર કૉલેજ જતો હું હવે સ્કૂટર પર ઑફિસ જતો થયો. ગામડાનાં ધૂળિયા રસ્તાં પણ હવે તો પાકી સડકમાં બદલાઈ ગયાં હતાં. ઘણું બધું બદલાઈ ગયું હતું. જૂની ઘરેડોમાંથી હું પણ બદલાઈ ચૂક્યો હતો. કદાચ મારા સંસ્કાર પણ બદલાઈ ચૂક્યા હતા. ફક્ત ન બદલાયા હતા તો બસ, ફક્ત મારા પિતા અને તેમનાં વિચારો અને તેમની સંહિતાઓ….
મારી ઉંમર વધી રહી હતી. પછી તો હાલનાં જમાનામાં બને છે, તેમજ, પિતાજીની પસંદગીની ઘરરખ્ખુ, સંસ્કારી, ચારિત્ર્યવાન, સ્વજ્ઞાતિની ગૃહિણીની જગ્યાએ મારી પસંદગીની, મારી જ ઑફિસમાં કામ કરતી, ભણેલ ગણેલ પરજ્ઞાતિની રોહિણી પર ઊતરી. ઘરમાં ભયંકર તોફાન ઊઠ્યું અને શમીયે ગયું ! ફાયદો જો કે માત્ર મને જ થયો. રોહિણી ઘરમાં આવી ગઈ. થોડા મહિના આનંદમાં ગયા. પણ પછી રોહિણીએ પોતાનું પોત પ્રકાશ્યું. રોહિણીની મહત્વાકાંક્ષાઓ અને પિતાજીની સમીક્ષાઓ વચ્ચે જાણે તુમુલ યુદ્ધ છેડાયું. મારી નિર્દોષ પારેવડાં જેવી બા તો જાણે મૂકપ્રેક્ષક હતી. રોહિણીની ઝપટમાંથી જો કે, તે પણ બચી ન હતી. તેનાં પરનાં અત્યાચારો હું સ્થિતપ્રજ્ઞ બનીને જોયા કરતો. સમુદ્રમંથન વખતે જે હાલત મેરુપર્વતની થઈ હશે, તે જ હમણાં મારીયે હતી. રોહિણી જૂનવાણી થવા તૈયાર ન હતી, તો પિતાજીયે ‘નવવાણી’ થવા તૈયાર નહોતાં. એક આખી પેઢીનાં છેડાયેલાં ભિષણયુદ્ધનો હું નિમિત્ત બન્યો હતો અને એ યુદ્ધમાં હું જાણે-અજાણ્યેય નવતર પેઢીનું જ સમર્થન કરતો હતો. હવાને સથવારે અમારા કૌટુંબિક પ્રપંચો પહેલાં તો પડોશીઓ અને પછી શેરી અને ગામનો ચર્ચાનો મુખ્ય વિષય બની ગયાં.
અને આખરે એ કાળમુખી સવાર ઊગી. હા, આજનો દિવસ હતો એ. ભાદરવા વદ નોમ. ઘરમાં સવારથી જ વાતાવરણ ડહોળાયેલું તથા ભારેભારે હતું. પહેલી રાત્રે થયેલાં ઝઘડાનો વિષાદ ઘરનાં તમામ પાત્રોનાં ચહેરા પર ડોકાતો હતો. અચાનક રોહિણી પોતાની ભરેલી બેગ સાથે રૂમમાંથી બહાર આવી. એ ઘર છોડીને જઈ રહી હતી. મને પણ સાથે જ લઈ જવા માટે તેણે ઉચ્ચારેલા વાક્યો સાથે જ જાણે પેટાળમાં સમાયેલ ખદખદતો લાવા બહાર નીકળ્યો. આજનાં ઝઘડાએ તો જાણે તમામ માઝા મૂકી દીધી. પિતાજી, હું અને રોહિણી હાથાપાઈ પર ઊતરી આવ્યા. ગુસ્સો બેકાબૂ બન્યો. અચાનક પિતાજીનો દેહ મારા હાથમાંથી ફંગોળાયો અને બારી વાટે ઊછળીને જમીન પર પટકાયો. બરાબર એ જ સમયે ગામનાં મુખી બીજા ત્રણચાર માણસો સાથે વાડામાં દાખલ થયાં. પિતાજીનો દેહ તરફડીને તેમની સામે જ શાંત પડી ગયો. બારીમાં અવાચક હું ઊભો હતો. પોલીસ આવી. મુખી તેમજ ગામ લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં. મને ગિરફતાર કર્યો. નિર્દોષતા પૂરવાર કરવા બાને ઢંઢોળી. પણ બા ક્યાં હતી…? તે તો માત્ર તેનું ખોળિયું જ હતું. તે તો પિતાજીની સાથે જ અનંતયાત્રાએ ઊપડી ગઈ હતી. અદાલતમાં કેસ ચાલ્યો. મારું મોં તો જાણે તે દિવસથી સીવાઈ જ ગયું હતું. મુખીની સાક્ષીએ હું ગુનેગાર પૂરવાર થયો. સજા થઈ, ‘જન્મટીપ’ અને પછી તો બસ, કાળમીંઢ કોટડી જ મારું વિશ્વ બની ગઈ. પત્ની ક્યારેક મળવા આવતી. હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટ સુધી લડવાની તૈયારી માટે જરૂરી નાણાં માટે મારી પાસે સહીઓ લઈ ગઈ. પછી તે ગઈ તે ગઈ. થોડો સમય જેલમાં તેનાં પત્રો આવતાં. પછી તેય બંધ થઈ ગયા. પછી ક્યાંકથી જાણવા મળ્યું કે, જમીન જાયદાદ વેચીને, માલમિલકત સમેટીને પોતાનાં કોઈ પૂર્વ પ્રેમી સાથે ભાગી ગઈ.
હવે બહારનાં વિશ્વમાં મારા માટે કાંઈ જ નહોતું. ન સગાવહાલા, ન જમીન-જાયદાદ, ન મહત્વાકાંક્ષાઓ કે ન તો કોઈ લાલસા. જગમાં આવ્યો એવો જ ખાલી હાથ. શું કમાયો હતો હું આ ભવાટવીમાં ? જો હું ધારત તો ભારતીય જ્ઞાન તથા વિજ્ઞાનનો સમન્વય ન સાધી શકત ? માવતરની આજ્ઞાઓને જૂનવાણી ન ગણતાં શિરે ધારી હોત તો ચિત્ર ક્યા પ્રકારનું હોત…! આ અને આવા જ ગહનચિંતન માટે ખૂબ જ સમય હતો મારી પાસે. કદાચ આધ્યાત્મિક ચિંતનની પુખ્તતા માટે જેલથી વધારે સારું સ્થાન આ વિશ્વમાં નહીં હોય ! જેલમાં ઘણી બધી વાંચન સામગ્રી આવતી. મારો ઝોક અનાયાસે જ ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો તરફ વધુ હતો. એકવાર મારા હાથમાં ગરૂડપુરાણ આવ્યું. સંપૂર્ણ પુસ્તિકા સંસ્કૃતમાં હતી. પરંતુ જટાબાપા જેવા વિદ્વાનનાં પુત્ર માટે તો શી મોટી વાત હતી ! પૃથ્વી પર કરેલા કર્મોનું પરલોકમાં કયું ફળ મળે છે એ તેમાં વિગતવાર સમજાવેલું. મારા કુકર્મો બદલ મને મળેલી જેલની સજા બાબતે તેમાં ખોળ્યું, પરંતુ આ શું ? એમાં તો જેલ નામની કોઈ સજાનું વર્ણન જ નહોતું ! પોતાનાં કર્મોનાં ફળઅનુસાર પૃથ્વી પર જન્મનાર તમામ પ્રાણીએ આ જેલ ફક્ત એક જ વાર ભોગવવાની હતી. માંના ઉદરની જેલ. તો પછી શું હતી મારા કુકર્મોની સજા ?
અને અંતે જડી જ ગઈ મને મારી સજા. પરલોકમાં મારા કુકર્મો અનુસાર બે સજાઓ તેમાં વર્ણવી હતી : ‘અંધકૂપમ’ અને ‘કૃમિભોજનમ’. અંધકૂપમમાં યમદૂતો જીવને એક અંધારીયા કુવામાં ફેંકી દેતાં અને ઉપરથી પથરાનો વરસાદ વરસાવતાં. ભયંકર શોરબકોર કરીને જીવને ગૂંગળાવી નાખે. કૂવામાં અસંખ્ય ઝેરી તથા ચિત્રવિચિત્ર જીવડાં અને જીવાતો હોય, જે જીવને ફોલી ખાય. જીવાતોની આ સજા એટલે જ કૃમિભોજનમ. વળી એક વાર મરીને આવેલા જીવને મરણતો હોય જ નહિ ને ! બસ, તેણે તો સાત વરસ સુધી રિબાયા જ કરવાનું. જો કે ત્યાંનો એક દિવસ અહીંનાં દસ હજાર વર્ષ બરાબર હોય, તે અલગ વાત.
જો આ સજાની જ તજવીજ ત્યાં મારે માટે હોત તો, પછી આ જેલની તો શું વિસાત….! અને મારા દિમાગમાં એક વિચાર ઝબક્યો. લોકો પોતાનું સ્વર્ગ જો પૃથ્વી પર ઊભું કરી શકતા હોય તો, હું મારા માટે અહીં નર્ક કેમ ન ઊભું કરી શકું….? ત્યાં વેઠવી પડનારી સજા હું અહીં જ, આપણી દુનિયામાં, આપણાં જ માનવો વડે કેમ ન વેઠી શકું… ? અજાણ્યું ગામ અને અંધારીયા કૂવામાં કોઈ ફેર હોતો નથી. એ ન્યાયે જેલમાંથી સજામાં રાહત મેળવીને છૂટ્યા બાદ આપના ગામમાં આવી ચઢ્યો. બાળકો વડે મરાતા પથ્થર, લોકોનાં મારા માટેનાં બૂમબરાડા, ઓટલો મળે તો ઠીક નહીં તો નદીનાળા કિનારે કે પછી ગટર… આ બધી મારી સજાનો જ ભાગ સમજું છું. આજે સાત ભાદરવાથી તમારા ગામમાં છું. ક્યાંકથી શ્રાદ્ધપક્ષમાં ખીર મળે તો અહીં લાવીને મૂકું છું. પરંતુ આજ સુધી કાગડાઓ તેને અડ્યા નથી અને કદાચ આજે પણ…’ અને તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. હું શૂન્ય ભાવે તેની સામે નીરખી રહ્યો. એટલામાં જ ક્યાંકથી પાંખોનો ફફડવાનો અવાજ આવ્યો. બે કાગડા ચોતરે આવ્યા. ઠુમકતાં ઠુમકતાં કપ પાસે આવ્યાં. ખીરમાં ચાંચબોળી. ખીર ખાધી અને આકાશમાં દૂર દૂર ક્યાંક ઊડી ગયા.
રોહિતની આંખમાં હજુયે આંસુ હતાં. પણ કદાચ હર્ષનાં. આજે આટલા વર્ષે તેનું ‘સાચુ પિતૃતર્પણ’ થયું હતું. વાતાવરણની ગમગીની થોડી ઓછી થતાં હું ય મારા ઘર તરફ વળ્યો.
Wednesday, November 11, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment