Wednesday, November 11, 2009

શોભા અને સુશિમા

એક રજવાડી કૉલેજના આચાર્યની કન્યાઓ છે, તેમને ઘેર હું પહાડોની જાત્રાએ જતાં બે દિવસ રહ્યો. આચાર્યના પત્ની તાજેતરમાં અવસાન પામ્યાં છે. સૂના ઘરમાં બધે ચીજવસ્તુ અને રાચરચીલું અવ્યવસ્થિત છે. ઘરનું વાતાવરણ ઉદાસ અને એકલવાયું લાગે છે. ઘરમાંથી ઘરના દેવતાનો વાસ ઊઠી ગયો છે. જે મિત્રે મારે વિશે આચાર્યને લખેલું તેમને બિચારાને એમના ઉપર ગુજરેલી આ કૌટુમ્બિક આફતની ખબર નહોતી.

ખડકીમાં પેસતાં જ ઓસરીમાં બેસી ઑફિસનું કામ કરી રહેલા આચાર્યે ઊભા થઈ મને સત્કાર્યો. પણ ઘરમાં પગ મૂકતાંવેંત હું ખચકાયો. આચાર્યે મારી આંખ વરતી અને થોડા જ અરસા પર પોતાના ઉપર ગુજરેલી આફતની વાત કરી દયામણે ચહેરે ઘરની અવ્યવસ્થા બદલ દરગુજર ચાહી. પછી તુરત જ બાજુના એક અલાયદા રૂમમાં મારો સામાન મુકાવ્યો ને ખાટલો, પાણી, ટેબલ-ખુરશી, રખાવી મારી બધી ગોઠવણ કરાવી દીધી. થોડી વારે બે નાની મા વિનાની દીકરીઓને સાથે લઈને મારા ઓરડામાં આવ્યા. છોકરીઓનાં નામ કહ્યાં ને ઓળખાણ કરાવી. નાની શોભા, મોટી સુશિમા. મોટી નવદસ અને નાની સાતઆઠ વરસની. પિતાના ઈશારે બેઉ પગે લાગી. નાનીને મેં વહાલથી ઘૂંટણ પર લીધી ને પગનાં પંજા પર ટટ્ટાર ઊભી રાખી બે-ચાર વાર ઉછાળી. મોટી કહે, ‘હમકો ભી ઝૂલા ઝુલાઓ !’ એને પણ મેં ઉછાળી. પિતા કહે, ‘બસ ગુડ્ડો; તુમ બડી હો. સ્વામીજી કે પૈરોં મેં દર્દ હોગા….’ ‘ગુડ્ડો’ પંજાબમાં છોકરીઓને બોલાવવાનું લાડકું નામ હોય છે.

બેઉ બહેનો મારા જ ઓરડામાં રમતમાં પડી ને અમે વાતે વળગ્યાં. મેં આચાર્યની કૌટુમ્બિક વિપદ પર ફરી શોક કર્યો ને તેમનાં મૃત પત્નીની માંદગી વગેરે અંગે થોડી વીગતો પૂછી. ઓરડામાં રમતી શોભાએ કાન માંડ્યા. વચમાં જ આચાર્યે છોકરીઓને કહ્યું, ‘શોભા-સુશ્મા, જાઓ દોનોં બહન બાહર બરામદે મેં જાકર ખેલો. દેખો રોઝલીન (કૂતરી) બીમાર હૈ ઉસે બૅરોન પોરિજ (રાબ) દી યા નહીં ?’ આચાર્યના ઘરમાં મુંબઈના પારસીઓ અને શ્રીમંતો પાળે છે તેવાં વરુને મળતી ઑસ્ટ્રેલિયન ઓલાદનાં બે મોટાં કૂતરાં-કૂતરી હતાં. કૂતરીને બચ્ચાં થવાનાં હતાં. બૅરો એટલે બેરર. બબરચીના હાથ નીચે ખાણું પીરસનારો નોકર.

બાળકોની હાજરીમાં એમની મૃત માતાની વાત કાઢવામાં મેં કરેલી ભૂલ હું સમજ્યો.
‘મને ખબર હોત તો હું તમને આટલી અડચણ વચ્ચે તકલીફ આપવા અહીં ન આવત. હજુ જો તમે મને રજા આપો તો નીચલે રસ્તે ગુરુદ્વારો છે ત્યાં ચાલી જાઉં. મને મુદ્દલ મુશ્કેલી પડવાની નથી. મને ત્યાંના પુજારીએ બોલાવ્યો પણ છે. રહીશ તેટલા દિવસ તમને મળવા આવીશ.’
‘ના, ના. એમ કેમ બને ? આપ તો મારા મહેમાન દેવતા. આપ મારા આંખ માથા પર છો. આપના ચરણસ્પર્શથી મારા રંકનું ઘર પાવન થયું. આપ જેટલા વધુ દિવસ રહેવાય તેમ હોય તેટલું રહો. મારો નોકર આખો વખત ઘરમાં હોય છે. મને પણ ઘેર મા વિનાનાં બાળકો ને માંદાં કૂતરાની ફિકર રહે છે. આ કૂતરાંને અહીંની હવા માફક નથી. બહુ કરું છું પણ નબળાં પડ્યે જાય છે. વળી, દુકાળમાં અધિકમાસ હોય તેમ આજકામ મારે માથે કૉલેજના કામ ઉપરાંત રોજનાં બીજાં પણ એક-બે કામ આવી પડ્યાં છે. તેથી સાંજે ઘેર આવતાં મોડુંવહેલું થાય છે. આપ ઘરમાં રહેશો તેટલા દિવસ મારા મનને છોકરાં બાબતમાં ઊલટી શાંતિ રહેશે. છોકરીઓને તો મેં બહાર કાઢી. બાકી મધમાખીઓ જોઈ લ્યો. વળગશે તે છોડશે જ નહિ….’ નાનો સરખો નિસાસો જ મૂકીને ઉમેર્યું, ‘બાપડાં ફૂલ. એમની જિંદગીમાં ખાઈ પડી ગઈ ! તે પૂરવા એ પણ મારી જેમ જ મથે છે. તેમાંયે નાની બડી તેજ (sensitive) છે.’ તેમણે ઘડિયાળ ભણી જોયું.

મેં જોયું કે આચાર્ય ઉતાવળમાં હતા. મેં એમને ઝટ વિદાય આપી. ઘરમાં જઈ રસોઈની, કૂતરાં ને લગતી અને બજારમાંથી તે દિવસે લાવવાની સૂચનાઓ આપવામાં રોકાયા. પિતાને મારા ઓરડામાંથી જતા જોયા તેવી જ બેઉ બહેનોએ સીધી મારી પાસે દોટ મૂકી. ‘ઝૂલા ઝુલાઓ, ઝૂલા ઝુલાઓ…’ એકેક બબ્બે વાર બેઉએ મારા પગ પર ચડી હીંચકા ખાધા. પછી બેઉ વચ્ચે અગાઉની માફક જ હુંસાતુંસી ચાલી. આચાર્ય કૉલેજ ગયા. રોજ તો છોકરીઓ ઘેર એકલી એટલે દૂરની કૉલેજથી પણ બપોરે ઘેર જવા આવતા ને બેઉને પોતાની સાથે જમાડી માની ખોટ પૂરવા પ્રયત્ન કરતા. નાની શોભાને પોતાને હાથે જમાડતા; પણ આજે તેમને કૉલેજમાં કામ ઘણું હતું ને હું ઘરમાં હતો એટલે છોકરીઓને મારી જોડે જમવા પટાવી, નોકરને ખાવાનું ટિફિનમાં કૉલેજ લાવવા સૂચના દઈ, મારી માફી માગીને વહેલા વહેલા કૉલેજ ગયેલા.

બપોરે અમને ત્રણેને જમાડીને અને બેઉ કૂતરાંને ખવડાવીને નોકર આચાર્યનું ટિફિન લઈને કૉલેજ ગયો. છોકરીઓ ઘડી ચળકું સૂતી ન સૂતી ને મારો ખાટલો ખૂંદવા હાજર થઈ ગઈ.
‘ઝુલા ઝુલાઓ ! ઝુલા ઝુલાઓ….!’
‘બસ અબ તો પિતાજી કે આને તક ઝૂલા ઝુલાના શામ તક !’
‘દૂર હો તુમ શોભા. તુમ ગુંડી હો. જૈસે ક્યા સામીજી (સ્વામીજી)કે પૈરો મેં દર્દ ન હોગા ! પિતાજીને સુબહ ક્યા કહા થા ? ઓર ફિર સામીજી શામકો ઘૂમને ન જાયેંગે ? ઔર મેં બૅરા (નોકર) કુત્તો કો ઘુમાને જાયગા ઉસ્કે સાથ જાઉંગી. તુમ બૈઠે રહના ઘરમેં અકેલી. હમ સબ લોગ તુમ્હે ઘરમેં બંધ કર ચલે જાએંગે !’ સુશ્મા બોલી. પણ શોભા ન ડરી.
‘સામીજી, પિતાજી ચલે જાતે હૈં તબ ગુડ્ડો હમેશાં મુઝે ડાંટતી હૈ ઓર ડરાતી હૈ. મેં તો આપ હી કે સાથ ઘૂમને ચલી જાઉંગી. ગુડ્ડો બૅરા કે સાથ કુત્તોં કી ઝંઝીર પકડ કર ભલે જાય. વો રોઝલીન (કુતરીનું નામ) રાસ્તે પર ભેંસ કો દેખકર ભોંકતી હૈ ઓર જંજીર ખીંચ કર ભાગતી હૈ, વહ ગુડ્ડો કો ઘસીટ લે જાયગી ઔર ગટર મેં ગિરા દેગી….’
‘રોઝલીન કી જંજીર પકડે મેરી બલા. મેં તો ગ્લામા (કૂતરાનું નામ) કી જંજીર પકડુંગી. વહ શરીફ હૈ.’
‘સામીજી, ગુડ્ડો કો નહીં, હમી કો ઝુલા ઝુલાઓ. ગુડ્ડો બડી હૈ, ઉસકો ઝુલાને સે આપ કે પેરોમેં દર્દ હોગા. ઉસે પિતાજીને મના કિયા હૈ.’
‘બડી આઈ પિતાજી કા કહના માનનેવાલી ! સામીજી યે શોભા પિતાજી કા કહના કભી નહીં માનતી. દિનભર પરેશાન કરતી હૈ. પિતાજી ઉસે નહીં ડાંટતે. વહ છોટી હૈ ન ? ઈસ લિયે. મૈં બડી હૂં. મૈં પિતાજી કો નહીં પરેશાન કરતી. ઘરમેં હર વક્ત ઉનકી મદદ કરતી હૂં. ઈસસે પિતાજી હર વક્ત ‘ગુડ્ડો મેરી અચ્છી’ કહકર મુઝે પુકારતે હૈ. શોભા અચ્છી નહીં હૈ, દિનભર ગુંડાપન કરતી હૈ. મુઝ કો, બૅરોકો, રોઝલીન કો, ગ્લામા કો, સબકો સતાતી હૈ.’ સુશિમાએ નીચલો હોઠ લંબાવી શોભાને હીણવી.

‘એવું ન કરીએ. આખિરકર વહ ભી તુમ્હારી બહન હૈ ન ? વહ છોટી હૈ, તુમ બડી હો. જો કુછ તુમ કરતી હો વહ ઝટ સીખ લેતી હૈ.’ મેં કહ્યું.
‘ખાક સીખતી હૈ ! ઉસે તો અભી નાગરી લિપિકા ‘ક’ ભી નહીં આતા.’
‘અચ્છા, યહ તો બતાઓ, તુમને અભી ઓંઠ પસાર કર જો કિયા વૈસા અગર શોભા પડોસ કી લડકિયોં સે કરેગી તો તુમ્હે અચ્છા લગેગા ?’
‘મેરા ક્યા જાતા ? લોગ ઉસે બદતમીજ કહેંગે. પિતાજી કહેતે હૈ દૂસરોં કે સામને મુંહ બનાનેવાલોં કો લોગ બદતમીજ કહતે હૈ.’
‘શોભા મુંહ બનાયેગી તબ ઉસે લોગ બદતમીજ કહેંગે ઔર તુમ શોભા કે સામને મુંહ બનાઓગી તબ મૈં તુમ્હેં ક્યા કહૂંગા ?’ મેં કહ્યું. સુશિમા ઝંખવાણી પડી ગઈ ! મેં આગળ કહ્યું, ‘અચ્છા, અગર તુમ કો ઉસસે નફરત હૈ તો વહ મેરે સાથે ઉત્તર કાશી જાયગી. પિતાજી કે પાસ તુમ દોનોં હો. મેરે પાસ તો વહાં કોઈ ન હોગા. મૈં અકેલા વહાં કિસસે ખેલૂંગા ? કિસે ઝૂલા ઝુલાઉંગા ? શામ કો પિતાજી આવેંગે તબ મૈં ઉનકી ઈજાજત લે લૂંગા. કહૂંગા આપકી અચ્છી ગુડ્ડો કો શોભા પ્યારી નહીં લગતી. ઉસકો ઉસસે નફરત હૈ ઈસ લિયે શોભા કો મૈં અપને સાથ ઉત્તર કાશી કો લે જાતા હૂં.’
શોભાએ તાળીઓ પાડી, ‘અચ્છા અચ્છા. મૈં જરૂર ચલૂંગી. દિનભર ઝૂલા ઝુલુંગી. વહાં ગુડ્ડો ન હોગી, ઝુલાઓગે ન ?’
સુશિમા રડુંરડું થઈ ગઈ.
‘છમા કીજીએ. મેરી ગલતી હુઈ. પિતાજી કહતે હૈ અપની ગલતી હોને પર તુરંત છમા માંગ લેના ચાહિએ. ક્યા સચમુચ આપ શોભા કો અપને સાથ ઉત્તર કાશી લે જાઓગે ?’
‘તો ?’
‘મૈં આપકે પૈરોં પડતી હૂં, ઐસા ન કરના. પિતાજી સે શોભા કો ઉત્તર કાશી લે જાને કે બારે મેં કુછ ન કહના. આયન્દે મૈં કભી ઐસા ન કરુંગી ! વહ કુછ ભી કરે, મૈં ઉસે પ્યાર કરુંગી. અચ્છા, શોભા તૂંહી ઝૂલા ઝૂલ. મુઝે એક બાર ભી ઝુલા નહીં ઝૂલના. સામીજી, ક્યા સચમુચ હી આપ ઈસે યહાં સે લે જાઓગે ?’
‘અરે હટ પગલી કહીં કી ! સામીજી મઝાક કર રહે હૈં તુઝે ચિડાને કે વાસ્તે ! ઈતના ભી નહીં સમજતી ઈતની બડી હોકર ?’

આખો દિવસ ને વળતે દિવસે બેઉ બહેનોએ મને ઘડી છોડ્યો નહિ. ઘરમાં આંગણામાં બાંધેલાં કૂતરાં જોડે, નોકર જોડે ઘડીક ઉધામા કરી આવે ને વળી પાછી આવી મારો ખોળો ખૂંદે, પીઠે ચડે ને ગળે લટકે. નોકર ઈમાનદાર છતાં કેવો ભુલકણો છે, ઘરને કેવું ધરમશાળા જેવું રાખે છે, રોઝલીન-ગ્લામાને વેળાસર ખાવાનું નથી દેતો ત્યારે પિતાજી એને કેવો ઠપકો આપે છે, ભેંસો સામે કૂતરાં કેવા ભસે છે અને તેનાથી ભડકીને એક ભેંસ એકવાર લપસીને કેવી ગટરમાં પડી ગઈ હતી અને પછી એને કેવી રીતે બહાર કાઢેલી; ગુજ્જર કોમ ભેંસો પર સામાન કેવી રીતે મૂકે છે, કૉલેજના ચપરાસીનો પિતાજીએ દંડ કરેલો તે માફ કરાવવા ઘેર આવીને તે પિતાજી આગળ કેવા કાલાવાલા કરતો હતો, જજ સાહેબને ઘેરથી દિવાળીની મીઠાઈ આવેલી ત્યારે માએ તેને ‘બજારુ’ કહીને બધી બૅરાની ઘરવાળીને કેવી આપી દીધી ને પોતે પોતાને હાથ ઘરમાં બનાવેલી મીઠાઈ જ કેવી રોજ બેઉ બહેનોને આપતી; વગેરે વગેરે કેટલીયે વાતો કહી નાંખી. માની વાત શોભાની જીભે આવી તેવી સુશિમાએ નાકને આંગળી અડાડી : ‘ચૂપ ! પિતાજીને મના નહીં કિયા કી માંકી બાત નહીં કરતે રહના ?’
શોભા ગળગળી થઈ ગઈ : ‘લેકિન મુઝે દિનભર યાદ રહતી હૈ તો ફિર ક્યા કરું ?’
આટલા શબ્દો જેમતેમ માંડ બોલી, ને લાગલો જ ગળું તાણીને ઠૂઠવો મૂક્યો. સુશિમા પણ રડવા જેવી તો માની વાત નીકળી ત્યારની થઈ ગઈ હતી. પણ પોતે મોટી એટલે ખામોશી પકડી રાખી હતી. હવે તેનાથીયે ન રહેવાયું. બેઉ બહેનો એકબીજીને ગળે વળગી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ઓસરીમાં લોઢાની સાંકળોએ બાંધેલાં કૂતરાં મારા રૂમના બારણા ભણી તાકીને વિકરાળ અવાજે ભસવા લાગ્યાં ને સાંકળો તોડાવવા કોશિશ કરવા લાગ્યાં. નોકર ઘરમાંથી દોડી આવ્યો. મેં એને ઈશારો કરી પાછો મોકલ્યો. બેઉને ખોળામાં લઈ હું વાંસો પંપાળતો રહ્યો.

થોડી વારે બેઉ શાંત થઈ. પણ હીબકાં ઘણી વાર સુધી ચાલ્યાં. બેઉને મેં ચકલાની, કબૂતરની, શિયાળ ને કાગડાની, ઊંટના હોઠની, સિંહ ને ઉંદરની, બ્રાહ્મણદેવતાની, ઠંડ-ઠુંડાળાની, હમીર બંકા તીરમારુની, એવી એવી ઘણી વાતો સાડા ચાર વાગ્યે નોકર અમારા ત્રણેને માટે ચા-ખાવાનું લઈ આવ્યો ત્યાં સુધી કરી. ખાવાનું મારા જ રૂમમાં લઈ આવ્યો. તે અમે ખાધું ને પાણી પીધું. પછી નોકર કૂતરાં છોડી બેઉ છોકરીઓને ફરવા લઈ ગયો. હું ગુરુદ્વારાની સંગતમાં ગયો. સાંજે પાછો આવ્યો ત્યારે છોકરાં ક્યારનાં ઘેર આવી ગયાં હતાં. આચાર્ય હજુ આવ્યા નહોતા. નોકર રસોઈમાં હતો. મને આવેલો જોઈ મારા રૂમમાં ફાનસ મૂકી ગયો. બેઉ બહેનો પિતાના રૂમમાં કંઈક કરતી હતી. મારા રૂમમાં અજવાળું જોયું તેવી જ બહાર નીકળી. એકબીજીના હાથમાં હાથ ભિડાવીને આવી. બેઉએ કેમ જાણે કંઈક સંતલસ કરી રાખી હોય તેમ ગંભીર ચહેરે મારી સામે આવી ઊભી રહી. શોભા બોલી પડી :
‘સામીજી, ઝૂલા ઝુલાઓ, ઝૂલા ઝુલાઓ !’
સુશિમા : ‘ચૂપ ! ક્યા કહને હમ દોનોં આઈ થી ? અભી પિતાજી આ જાએંગે !’
શોભા અટકી ગઈ. પછી બેઉ બહેનો દયામણાં મોં કરી મારી સામે જોઈ રહી.
સુશિમા : ‘સામીજી, હમ દોનોં આપકે પૈરોં પડતી હૂં. આપકી મિન્નત કરતી હૂં. હમ દોનોં આજ દિન મેં માં કી યાદ કરકે રોઈ થી યહ પિતાજી કો ન કહના.’
હું દ્રવી ઊઠ્યો. બપોરે બેઉ બહેનો ધ્રુસકે રડી ત્યારે નહોતો થયો એટલો ઉદાસ થયો. અજાણ્યે બોલી ઊઠ્યો : ‘ક્યોં ?’
‘વે કાલિજ પઢાને જાતે હૈં તબ હમ રોતી હૈ યહ અગર જાનતે હૈં તો બહુત રંજ હો જાતે હૈ.’
શોભા : ‘કભી કભી વે ભી છિપ કર રો લેતે હૈં. હમારે સામને કભી નહીં રોતે.’
****

બે દિવસ ઊભે પગે આચાર્યે મારી ખાતરદારી કરી. પહાડોની મુસાફરીમાં વાહન કે માણસોની વ્યવસ્થા કરવી એ કામ ભારે ખટખટિયું ને માથું દુ:ખવનારું હોય છે. અજાણ્યા જોડે છેડાછેડી બાંધીને ચાલવાનું. એ ચાલે ત્યાં ચાલવું ને રોકાય ત્યાં રોકાવું. આ બધું જાણતાં છતાં જાતે ઊંચકાય તેટલો જ સામાન લઈને ચાલવાનું ડહાપણ ન કર્યાનો દંડ એ મુસાફરીમાં ઠેર ઠેર મેં ભોગવેલો. પણ અહીં તો આચાર્યે પોતાની કપરી દિનચર્યા વચ્ચે પણ વખત કાઢીને મારી આગળની ઉત્તર કાશી સુધીની મુસાફરીની બધી વ્યવસ્થા કરી આપી. આસમાની સુલતાનીના ફેરામાં પડીને તારાજ થયેલા આ મીણથી મોળા ને ગાય જેવા ગભરું સજ્જન પુરુષે હું નીકળ્યાની આગલી સાંજે હૈયું ઠાલવીને પોતાની આપવીતી મને સંભળાવેલી. પાકિસ્તાનમાં શુમાર ગણાયેલા પોતાના વતનમાં 50-60 હજાર કિંમતનું પોતાનું બાપદાદાનું ઘર, કીમતી ઘરવખરી, વાડીવજીફો બધું ફના થયું. કુટુંબકબીલો વેરવિખેર થઈ ગયો ને ગુણિયલ સ્ત્રી નાનાં બાળકોને મેલી કિરતારને ઘેર સિધાવી ! ‘પણ જ્યાં એ કિરતારે હજારો-લાખોને હોમીને અગ્નિ સોંસરાં ઉતારીને જ આઝાદી આપવાનું નક્કી કરેલું ત્યાં મારા જેવું એક મગતરું પોતાની પાંખો દાઝ્યાનો બળાપો કરે એનોયે શો અર્થ ? પ્રભુનો પાડ ! કિરતારે એમાં જ મારું, સૌનું ને હિંદનું ઘડતર જોયું !’ વળી કહે, ‘ઘણુંયે સમજું છું. મનને મારું છું પણ કોઈ કોઈ વાર આપ જેવું કોઈ સજ્જન સહાનુભૂતિવાળું મળી જાય ત્યારે હૈયું ભડભડી ઊઠે છે ને દિલમાં દુ:ખ રડી હળવું થવા મન ફાંફાં મારે છે.’ મોડી રાતે પોણો કલાક ચાલેલા આ હૃદયદ્રાવક વાર્તાલાપ દરમિયાન એક કડવો કે હીણો શુકન દોસ્તદુશ્મન કોઈને માટે મારા જજમાનને મોઢે મેં ન સાંભળ્યો. બસ ‘શુકર હૈ’ ‘શુકર હૈ’ એટલો એક જ બોલ નીકળતો. તે રાતની એમની શોકે છવાયેલી છતાં ધીરગંભીર મુદ્રાની સ્મૃતિ અને એમની સંસ્કારિતાની સુગંધ ત્રણ વર્ષથી મારા સ્મૃતિપટ પર ચોંટી રહી છે.

ભડભાંખડે હું વિદાય થયો ત્યારે બેઉ બહેનો પિતાના પલંગની લગોલગ બીજા પલંગમાં દિવસે તેમ ઊંઘમાં પણ એકબીજીને વળગીને ઊંઘતી હતી. સવારે પિતાએ ‘ઝુલા ઝુલાનેવાલે સામીજી’ના જવા વિશે એમને શું-શું કહીને પટાવી તે નથી જાણતો પણ મહિનો પૂરો નહિ વીત્યો હોય ને આચાર્ય તરફથી આવેલા એક કવરમાં બીજા બે કાગળ મને મળ્યા. એક બેઉ બહેનોએ સાથે દસક્ત કરીને મોકલેલો હતો. તેમાં મુંશીજી આવે છે, પોતે ભણવા માંડ્યું છે, નાગરી ભાષા શીખવા બદલ પિતાજી તરફથી બે બાવલીઓ મળી, નોકર ડાહ્યો થયો છે ને પિતાજીની ડાંટ ખાતો નથી, રોઝલીન (કૂતરી) વિયાઈ, ગુજ્જરોની કોમ એ રસ્તે જતી નથી…. વગેરે વાતો હતી. બીજો કાગળ ટચૂકડી શોભાએ આંકેલા કાગળ પર વાંકોચૂકો ને જોડણીની ભૂલોવાળો છતાં ખામી વગરની ભાષામાં અલાયદો લખ્યો હતો. આ રહ્યો એનો કાગળ :

સામીજી,
પર્નમ (પ્રણામ).
આપ ગએ તબસે પિતાજી હમ દોંનોં કો હર્રરોજ દોનૂં શામ ઝૂલા ઝુલાતે હૈં. મૈં નાગરી લિખાઓટ સીખ રહી હૂં. પિતાજીને શાબાસ કહા ઔર ખુશબખીદ દી. ગુડ્ડો કો ઈતની શાબાસ નહીં દી. રૌજલૈન (રોઝલીન કૂતરી)ને ચાર બચ્ચે દીએ, લેકિન ચારૌં કે ચારૌં મર ગએ ! બૈરા (નોકર) કહેતા હૈ કુછ તો મરે હુએ હી જનમ પાયે થેં. મરે બચ્ચોં કો મહેતર ઉઠાને આયા તો વહ છોડતી ન થી. જબરજસ્તી લે ગએ. દો દિન ખાના ભી ન ખાયા. ગિલામાને (બીજા કૂતરાનું નામ) ભી ન ખાયા.
સામીજી, આપને તો ઉસ દિન બતાયા થાહ કિ માં હી પહેલે મરતી હૈ, બચ્ચે નહીં મરતે. ક્યોં કી બચ્ચોં કો બડે હોકર બૌત કુચ કામ દેશકા ઔર દુન્યાં કા કરના હૈ. તબ ફિર હમારે યહાં તો રૌજલૈન નહીં મરી, ઉસકે બચ્ચે હિ મરે. એસા ક્યોં ? ક્યા કુત્તો મેં એસા કાનૂન હૈ ? યા ઈનસાન હી મેં એસા કાનૂન હૈ કિ બચ્ચોં કી માં પહલે મરતી હૈ ?

આપકી
ઔર પિતાજીકી અચ્છી બચ્ચી
શોભા
કા પાય લગૂં !

2 comments: